રાજકોટના જૂના મોરબી રોડ પર આવેલી ગાંધી વસાહત સોસાયટીમાં રહેતી 29 વર્ષીય શિક્ષિકાએ માનસિક તણાવમાં આવી જઈ ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ક્રિષ્નાબેન હર્ષદભાઈ રાઠોડ (ઉ.વ. 29) નામની યુવતીએ ગઈકાલે સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે ફિનાઈલ પી લેતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવતી છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાનું અને તેના કારણે આ આઘાતજનક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ક્રિષ્નાબેન વ્યવસાયે પેડક રોડ પર આવેલી જવાહર સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને સાથે જ ઘરે બાળકોને ટ્યુશન પણ કરાવે છે. આટલું જ નહીં, તે પોતે પણ હજુ કોલેજમાં અભ્યાસ ચાલુ રાખી પોતાની કારકિર્દી બનાવવા માટે મહેનત કરી રહી હતી.
જોકે, છેલ્લા થોડા દિવસોથી તે ભારે ગુમસુમ રહેતી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, ક્રિષ્નાબેન વારંવાર “મને ગમતું નથી” તેમ કહી માનસિક અસ્વસ્થતા અનુભવતી હતી. આ આંતરિક મૂંઝવણ અને ડિપ્રેશન એટલું વધી ગયું હતું કે અંતે તેણે પોતાના જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. પારિવારિક વાત કરીએ તો, ક્રિષ્નાબેન બે ભાઈ અને એક બહેનમાં સૌથી મોટી છે. તેના પિતા હર્ષદભાઈ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મધ્યમવર્ગીય પરિવારની શિક્ષિત દીકરીએ આ રીતે અચાનક પગલું ભરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. હાલમાં યુવતીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે કે આ માનસિક તણાવ પાછળનું ચોક્કસ કારણ શું હતું.
