આજી નદીમાંથી મળેલું બાળકનું કપાયેલું માથું અને લાલપરી પાસેથી મહિલાના મૃતદેહના ટુકડામાં તાંત્રિકવિધિ નવલસિંહે કર્યાની શંકાથી ફેર તપાસ
ભગવતીપરાના મુસ્લિમ પરિવારના સભ્યો સહિત 13 જણાની સોડિયમ નાઈટ્રેટ કેમિકલ પીવડાવી દઈ હત્યા નિપજાવનાર મૃતક આરોપી અને તાંત્રિક નવલસિંહ કનુભાઈ ચાવડા પોલીસ રિમાન્ડમાં વધુ હત્યાની કબુલાત આપે તે પહેલાં પોલીસ કસ્ટડીમાં જ તેનું મૃત્યુ થતા અનેક રહસ્યો ઉપર પડદો પડી ગયો છે.રાજકોટના મુસ્લિમ પરિવારના ચાર સભ્યોની હત્યામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ નવલસિંહના સાળાની પુછપરછ શરુ કરી છે.ત્યારે રાજકોટમાં મહિલા અને બાળકની વણઉકેલ હત્યામાં પણ તાંત્રિક નવલસિહની સંડોવણીની શંકાએ રાજકોટ ગ્રામ્ય પોલીસે ફેર તપાસ શરુ કરી છે.
રાજકોટનાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી નગ્મા નામની યુવતીની હત્યા કર્યા બાદ પોતાનો ભાંડો ન ફૂટે તે માટે નગ્માના માતા-પિતા અને ભાઈની પણ ઠંડે કલેજે નવલસિંહે હત્યા કરી નાખી હતી. અમદાવાદ પોલીસે નવલસિંહ ચાવડાની ધરપકડ કરી, જેના ઉપર કથિત તાંત્રિકવિધિ કરી 13 લોકોની હત્યાનો આરોપ હતો. પોલીસે નવલસિંહને રંગેહાથ ઝડપી લેવા ઓપરેશન હાથ ધર્યું હતું.
પકડાયેલ નવલસિંહે કસ્ટડીમાં આવતા સાથે જ એક પછી એક હત્યાની કબૂલાતો આપવા માંડી હતી. નવલસિંહે મમ્મી, દાદી અને કાકા જેવા પરિવારજનો અને ત્રાહિતો સહિત 13 લોકોની ઠંડાકલેજે હત્યા કરી હોવાની કથિત કબૂલાત આપી.
પડધરી પોલીસમાં નવલસિંહ અને તેના કૌટુંબિક સાળા અમદાવાદના જીગર ભનુભાઈ ગોહિલ વિરૂૂધ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. જેમાંથી જીગરને પડધરી પોલીસે સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે. કથિત તાંત્રિકવિધિ કરી હત્યાને અંજામ આપતા નવલસિંહે વધુ બે હત્યા કરી હોય જેમાં રાજકોટમાં બે હત્યા કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જેમાં ગત તા 14/4/2023ના રોજ રાજકોટના બેડી ચોકડી નજીક આવેલી લાલપરી નદીમાંથી ક્રૂરતા પૂર્વક હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવી છે. ટુકડા કરાયેલી હાલતમાં અલગ અલગ થેલાઓમા મહિલાની લાશ મળી આવી હોય જેમાં મહિલાનું માથું હાથ અને પગ એક થેલામાં અને મહિલાનું ધડ અલગ થેલામાં નદીમાંથી મળી આવ્યું છે. મહિલાની લાશ સાથે તેમાં કાળા કલરના તાવીજો પણ મળી આવ્યા છે.
જેને જોતા પોલીસે તાંત્રિક વિધિમાં મહિલાની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.આ ઘટના અંતે બી ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી.પરતું મહિલાની કોઈ ઓળખ પણ મળી ન હતી અને આ હત્યા કેસ છેલ્લા દોઢ વર્ષની અનડિટેક છે.
ઉપરાંત રાજકોટમાં બનેલી બીજી ઘટનામાં છ વર્ષ પૂર્વે આજી નદી માંથી 18 ડિસેમ્બરે બાળકનું કપાયેલું માથું મળી આવ્યું હતું. માથું કોનું હતું? કોણે કાપ્યું હતું? સહિતના મુદ્દાઓનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી તેમજ બાળકની ઓળખ પણ હજુ સુધીને પોલીસને મળી શકી નથી.
પોલીસે રાજકોટમાં ફોરેન્સિક નિષ્ણાતો પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, તેમાં કોઇ મહત્વની કડી નહીં મળતાં જામનગર ફોરેન્સિક વિભાગમાં રિપોસ્ટમોર્ટમ કરાવાયું હતું, તેમજ બાળકની સાયન્ટિફિક રીતે ઓળખ સ્પષ્ટ કરાવવા માટે ડીએનએ ટેસ્ટ કરાવ્યો છતાં બાળકની ઓળખ મળી ન હતી. આજી નદીમાંથી બાળકનું કપાયેલું માથું મળ્યું હતું તેમાં પણ તાંત્રિકવિધિ માટે બાળકની બલિ ચડાવાયાની શંકાએ પોલીસે તપાસ શરૂૂ કરી હતી. ગુજરાતભરના લાપતા બાળકોની યાદી મેળવી પોલીસે તપાસ કરી હતી, પરંતુ મામલો આજ દિવસ સુધી ઉકેલાયો નથી ત્યારે આ બન્ને બનાવો પણ નવલસિંહની સંડોવણીની શંકા વ્યક્ત કરવામાં આવી છે.આ બન્ને મામલે પોલીસે ફેર તપાસ શરુ કરશે જેમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી તેમજ પડધરી પોલીસ સાથે રાજકોટ બી-ડીવીઝન પોલીસ અને ક્રાઈમ બ્રાંચ પણ મદદમાં જોડાશે.