શહેરના રૈયા રોડ પર જે.કે.પાર્કમાં રહેતાં તલાટી મંત્રીનાં પિતા શાકભાજી લઈ ઘરે જતાં હતાં ત્યારે ઘર નજીક સ્કુટી સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા થવાથી તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી પાછળ આવેલા જે.કે.પાર્કમાં રહેતાં ગીરીશચંદ્ર મગનલાલ દવે (ઉ.67) નામના વૃધ્ધ આજે બપોરે ગામમાંથી શાકભાજી લઈ ઘરે જતાં હતાં ત્યારે ઘર નજીક પહોંચતાં સ્કુટી સ્લીપ ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃધ્ધને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ગીરીશચંદ્ર ત્રણ ભાઈ એક બહેનમાં નાના હતાં. તેનો પુત્ર રોહિત પડધરીમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી વિપ્ર પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
