ઉના મામલતદાર કચેરીમાં તલાટીમંત્રી અને પટ્ટાવાળો 50 હજારની લાંચ લેતા ઝડપાયા

જમીનનું એકત્રીકરણ કરી આપવા લાંચ માંગી હતી ઉના મામલતદાર કચેરીમાં સિટી તલાટી અને એક આઉટસોર્સ પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. એન્ટી કરપ્શન…

જમીનનું એકત્રીકરણ કરી આપવા લાંચ માંગી હતી

ઉના મામલતદાર કચેરીમાં સિટી તલાટી અને એક આઉટસોર્સ પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા બપોરના સમયે કરાયેલી કાર્યવાહીમાં સિટી તલાટી જીગ્નેશ બાંભણીયા અને પટાવાળા રાકેશ મજીઠીયાને 50,000 રૂૂપિયાની લાંચ સ્વીકારતા પકડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, અરજદારના પિતા અને કાકાના નામે આવેલી ઉનાની જમીનનું એકત્રીકરણ કરી આપવા માટે સિટી તલાટી જીગ્નેશ બાંભણીયાએ 60,000 રૂૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ રકમમાંથી 10,000 રૂૂપિયા ગઈકાલે જ લઈ લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 50,000 રૂૂપિયા આપવા અરજદાર તૈયાર ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

દ્વારકા એસીબીના પી.આઈ. એસ.સી. શર્મા અને તેમની ટીમે આ અંગે છટકું ગોઠવ્યું હતું. આજે બપોરના સમયે અરજદાર લાંચની રકમ 50,000 રૂૂપિયા સિટી તલાટી જીગ્નેશ બાંભણીયાને આપવા તેમની ઓફિસમાં ગયા હતા. તે સમયે તલાટીએ ઓફિસમાં હાજર આઉટસોર્સ પટાવાળા રાકેશ મજીઠીયાને રકમ સ્વીકારવા જણાવ્યું હતું. જેવી જ રકમ સ્વીકારવામાં આવી, એસીબીની ટીમે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને લાંચની રકમ પણ રિકવર કરી હતી.

એસીબી દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમને ઉના સર્કિટ હાઉસ ખાતે લઈ જઈને વધુ પૂછપરછ અને કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *