લાલપુર તાલુકાના પડાણા ગામમાં આશરે ચાર મહિના પહેલાં પોલીસે પાડેલા દરોડામાં ત્રણ પંજાબી શખ્સો પાસેથી મળી આવેલો શંકાસ્પદ પદાર્થ હેરોઈન હોવાનું ગાંધીનગર એફએસએલના રિપોર્ટમાં બહાર આવ્યું છે. એફએસએલ રિપોર્ટ મળ્યા બાદ મેઘપર (પડાણા) પોલીસે ત્રણ શખ્સો અને પંજાબના એક કથિત સપ્લાયર સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસ ફરિયાદની વિગતો મુજબ, મેઘપર (પડાણા) પોલીસ મથકના એએસઆઈ વિરેન્દ્રસિંહ ચંદુભા જાડેજાને પોલીસ હેડ કોન્સ્ટેબલ મારફતે બાતમી મળી હતી કે પડાણા ગામમાં પાણીના ટાંકા નજીક આવેલી દિનેશભાઈ મઢવીની ઓરડીમાં ભાડેથી રહેતા કેટલાક પંજાબી શખ્સો પાસે કેફી માદક પદાર્થનો જથ્થો છે.
આ બાતમીના આધારે પોલીસે તા. 8-3-2026ના રોજ પંચોને સાથે રાખીને ઓરડીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ત્યાં હાજર ત્રણ શખ્સોની અંગજડતી તેમજ ઓરડીની તપાસ કરતાં નાની-નાની પડીકીઓમાં પેક કરેલો આછા બદામી રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો.
પોલીસે એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી પદાર્થની પ્રાથમિક તપાસ કરાવી હતી. ત્યારબાદ કબજે કરાયેલા પદાર્થના નમૂનાઓ વિશેષ તપાસ માટે ગાંધીનગર એફએસએલ કચેરીમાં મોકલવામાં આવ્યા હતા. એફએસએલના રિપોર્ટમાં આ પદાર્થ હેરોઈન એટલે કે ઓપિયમ ડેરિવેટિવ્ઝ હોવાનું પુષ્ટિ થયું હતું.
એફએસએલનો રિપોર્ટ મળ્યા બાદ મેઘપર (પડાણા) પોલીસે તા. 19-7-2026ના રોજ એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 21(બી) અને 29 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસમાં પ્રભશેરસીંગ સવેદરસીંગ, ઉંમર 35, મૂળ રહે. સૈદોકે ગામ, જિલ્લો અમૃતસર; શેરસીંગ ઉર્ફે શેરા ગુરદેવસીંગ, ઉંમર 40, મૂળ રહે. ભોમાન ગામ, જિલ્લો ગુરદાસપુર અને દીલબાગસીંગ બચ્ચનસીંગ, ઉંમર 44, મૂળ રહે. ચીમાબાઠ ગામ, જિલ્લો અમૃતસર, પંજાબ સામે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણેય શખ્સો પંજાબના બોપારાઈ ગામના મનાસીંગ મુખાસીંગ પાસેથી હેરોઈનનો જથ્થો મેળવી લાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મનાસીંગને ફરાર આરોપી દર્શાવી તેની શોધખોળ હાથ ધરી છે.
તા.8 માર્ચે પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે 6.23 ગ્રામ હેરોઈન કબજે કર્યું હતું, જેની અંદાજિત કિંમત રૂૂ. 1,24,600 ગણવામાં આવી છે. આ ઉપરાંત ઓપ્પો, રિયલમી, મોટોરોલા અને રેડમી કંપનીના ચાર મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક વજનકાંટો અને રૂૂ. 1,510ની રોકડ રકમ મળી કુલ રૂૂ. 1,42,110નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ મુજબ આરોપીઓ પંજાબથી હેરોઈનનો જથ્થો લાવી પડાણા અને આસપાસના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરોને નાની-નાની પડીકીઓ બનાવી છૂટકમાં વેચતા હોવાની આશંકા છે. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. પટેલ ચલાવી રહ્યા છે.
