મૃતકને આરોપીની બહેન સાથે સંબંધ હતો, ‘શિકાર’ કરવા જંગલમાં લઈ જઈ ‘શિકાર’ બનાવ્યો
તાલુકાના હોડકો નજીક નથુવાણીવાંઢમાં રહેતા 23 વર્ષીય યુવકની આડા સબંધના મનદુ:ખે હત્યા નીપજાવી દેવામાં આવી હતી. બે દિવસથી લાપત થયેલા યુવકનો મૃતદેહ હોડકો ગામની સીમમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારેલી હાલતમાં મળી આવ્યો હતો, જે મામલે નજીકમાં રાજવાણી વાંઢમાં રહેતા પાંચ શકમંદ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ હોડકો નજીક બન્ની વિસ્તારમાં 23 વર્ષીય ઈસ્માઈલ ઈબ્રાહીમ હાલેપોત્રાની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી.
આ મામલે નથુવાણીવાંઢમાં રહેતા મૃતકના પિતરાઈ કાકા ઇશાભાઈ અમીનભાઈ ભચુભાઈ હાલેપોત્રાએ ધોરડો પોલીસ મથકે રાજવાણીવાંઢમાં રહેતા શકમંદ આરોપી અબ્દુલા હૈદર હાલેપોત્રા, હનીફ અબ્દુલા હાલેપોત્રા, ખાનુ મામદ હાલેપોત્રા, ઈસા કાદુ હાલેપોત્રા અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સામે ગુનો નોધાવ્યો છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ તેમનો ભત્રીજો 8 માર્ચના રાત્રે ઘરેથી નીકળેલો હતો.જે બીજા દિવસે સવાર સુધી પરત આવ્યો ન હતો અને તેનો મોબાઈલ પણ બંધ હતો. જેથી પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી.એ દરમિયાન મંગળવારે સવારે ચાર વાગ્યાના અરસામાં હોડકો ગામની સીમમાં આવેલ ઉધમા કડો નજીક બન્ની વિસ્તારમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
હતભાગી યુવકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા દેખાતા તેની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.જે બાદ મૃતદેહને પીએમ માટે ખાવડા સીએચસી ખાતે લઇ જવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ આડા સબંધ મામલે યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.હાલ શકમંદ આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધોરડો પોલીસ મથકના પીએસઆઈ એમ.બી. ચાવડા સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યા છે.
મૃતક યુવકને આરોપીની અપરિણીત બહેન સાથે આડા સબંધ હતા. અગાઉ આ મામલે બન્ને પરિવાર વચ્ચે વાતચીત બાદ સમાધાન પણ થયેલો હતો. આડા સબંધના મનદુ:ખે કિશોર વયના આરોપીએ મૃતક યુવકને શિકાર કરવા માટે સીમમાં જવાનું કહી સાથે લઇ ગયો હતો.જે બાદ જંગલ વિસ્તારમાં ગળાના ભાગે કુહાડીનો ઘા મારી ઢીમ ઢાળી દીધો હતો.
