લીંબડીના દેવપરા ગામના ધો.9 અને ધો.10ના છાત્રો ત્રણ વર્ષથી શાળાને બદલે મંદિરમાં ભણવા મજબૂર!

  મંજુરી મળેલી હાઇસ્કૂલ બનાવવા વાલીઓની માંગ: એક જ ઓસરીમાં ધો.9/10ના છાત્રોને બાજુબાજુમાં બેસાડી શિક્ષક ભણાવે છે! લીંબડી તાલુકાના દેવપરા ગામના ધો.9 અને 10ના કુલ…

 

મંજુરી મળેલી હાઇસ્કૂલ બનાવવા વાલીઓની માંગ: એક જ ઓસરીમાં ધો.9/10ના છાત્રોને બાજુબાજુમાં બેસાડી શિક્ષક ભણાવે છે!

લીંબડી તાલુકાના દેવપરા ગામના ધો.9 અને 10ના કુલ 85 વિદ્યાર્થીઓ શાળામાં રૂૂમની વ્યવસ્થાના અભાવે 3 વર્ષથી મંદિરમાં પતરાના શેડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે. એક ઓસરીમાં બેસીને વિદ્યાર્થીઓ ધો.9/10 અભ્યાસ કરે છે. મંજૂરી મળી ગયેલી હાઈસ્કૂલનું બાંધકામ તાત્કાલિક ધોરણે શરૂૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓે, વાલીઓ માંગ કરી રહ્યા છે. લીંબડી તાલુકાના ભાલકાંઠાના દેવપરા ગામે ધો.1થી 8ની પ્રા.શાળા આવેલી છે. 9માં ધોરણમાં આવેલા છાત્રોને અભ્યાસ કરવા માટે 20 કિમી દૂર કટારિયા ગામની સરકારી મા.શાળા અથવા 35 કિમી દૂર લીંબડીની કોઈ શાળામાં અભ્યાસ માટે આવવું પડતું હતું.

સંખ્યાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે વર્ષ-2018માં દેવપરા ગામને ધો.9 અને વર્ષ-2019માં ધો.10ને મંજૂરી આપી દીધી હતી. વર્ષ-2019-20માં ધો.9/10ના આચાર્યે હાઈસ્કૂલ કે 2 ઓરડાની મંજૂરી માગી હતી. તેના માટે ગ્રામ પંચાયતે જમીન ફાળવી દીધી હતી. આચાર્ય કોમલબેન પટેલના જણાવ્યા અનુસાર દેવપરા ગામે નવી માધ્યમિક શાળા બનાવવા માટે મંજૂરી મળી ગઈ હતી. પરંતુ બાંધકામ શરૂૂ નહીં થતાં વર્ષ-2021 સુધી ધો.9-10ને છાત્રો પ્રાથમિક શાળાના બિલ્ડીંગમાં ભણતા હતા. પ્રા.શાળામાં ઓરડાની અગવડતા કે કોઈ અન્ય કારણ થતાં ધો.9 અને 10ના છાત્રોને અન્ય કોઈ સ્થળે અભ્યાસ કરવા કહી દીધું હતું.

વર્ષ-2022થી ધો.9 અને 10ના કુલ-85 છાત્રો ગામમાં તળાવની પાળે આવેલા રાંધળી માતાના મંદિરે ભોજનશાળાના પતરાના શેડવાળી ઓસરીમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ધો.9 અને 10 માટે 2 શિક્ષકો અને 1 આચાર્ય છે. એક ઓસરીમાં 2 શિક્ષકો ધો.9 અને 10ના વિદ્યાર્થીઓને બાજુ-બાજુમાં બેસાડી ભણાવે છે. આટલી મુશ્કેલીમાં અભ્યાસ કરવા છતાંય વર્ષ-2024માં ધો.10નું 87 ટકા પરિણામ મળ્યું હતું. હાઈસ્કૂલનું કામ તાત્કાલિક ધોરણે શરૂૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓ માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *