રાજકોટ શહેરના 1પ0 ફુટ રીંગ રોડ પર પોલીસ સ્ટેશનની બગલમાં જ એક ટોચની સ્કુલમાં છાત્રા ગુમ થવાના મામલે છાત્રાના પરિવારજનોએ ગઇકાલે સવારે બઘડાટી બોલાવી રિવોલ્વર કાઢતા ભારે નાસભાગ મચી જવા પામી હતી અને સ્કુલમાં હાજર વિદ્યાર્થીઓ ફફડી ઉઠયા હતા. જો કે શાળાના સ્ટાફે ખુબજ સંયમપૂર્વક મામલો થાળે પાડયો હતો. આ મામલે હાલ કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી. પરંતુ પોલીસ સ્ટેશનની બાજુમાં જ બનેલી આ ઘટનાથી છાત્રોના વાલીઓમાં રોષની લાગણી જન્મી છે.
મળતી માહિતી મુજબ શહેરના 150 ફુટ રીંગ રોડ ઉપર પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવેલી પ્રખ્યાત ખાનગી સ્કુલમાં ગઇકાલે સવારે 9 વાગ્યા આસપાસ કાળા કલરની ર્સ્કોપિયો સહિતની મોટરકારોમાં એક પરિવારનું ટોળુ અચાનક જ ધસી આવ્યું હતું અને આ પરિવારની ગુમ થયેલી દિકરી આ સ્કુલના એક છાત્રના સંપર્કમાં હોવાનું જણાવી ધમાલ મચાવી હતી. સ્કુલનો સ્ટાફ કંઇ સમજે વિચારે તે પહેલા પરિવારના પુરૂષ સભ્યએ રિવોલ્વર તાણી લેતા થોડો સમય માટે નાસભાગ મચી જવા પામી હતી. અચાનક બનેલી આ ઘટનાથી સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ફફડી ઉઠયા હતાં. શાળાના સ્ટાફે સમય અને સંજોગો પારખી સ્કુલના કલાસરૂમોના દરવાજા બંધ કરી દઇ છાત્રોને બહાર નહીં નિકળવા સુચના આપી દીધી હતી.
આ દરમિયાન સ્કુલ સ્ટાફે મામલા અંગે ઉશ્કેરાયેલા પરિવારજનોને ટાઢા પાડી પુછપરછ કરતા તેમની કાલાવડ રોડ ઉપર આવેલી એક કોલેજમાં અભ્યાસ કરતી પુત્રી ગુમ થયાનું જણાવ્યું હતું અને આ છાત્રા અગાઉ રીંગ રોડ પરની આ સ્કુલમાં અભ્યાસ કરતી હોવાથી ત્યાંના છાત્રોના સંપર્કમાં હોય હાલ છાત્રા ગુમ થયા પહેલા ગત મંગળવાર સુધી મોબાઇલથી આ સ્કુલમાં અભ્યાસ કરતા ધો. 11ના એક છાત્રના સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું અને ધો. 11ના આ છાત્રને હાજર કરવા સ્કુલ સ્ટાફને જણાવતા છાત્રને બોલાવવામાં આવ્યો હતો. સાથોસાથ છાત્રની સાથે તેના ગ્રુપના 8 થી 10 છાત્રોને પણ પુછપરછ માટે ઓફિસમાં બોલાવાયા હતાં. આ ઉપરાંત જે છાત્ર ઉપર છોકરીના પરિવારજનોને શંકા હતી તેના માતા-પિતાને પણ સ્કુલે બોલાવવામાં આવ્યા હતાં.
ગરમાગરમી દરમિયાન એક છાત્રએ તમે પુછવા વાળા કોણ ? તેવો સવાલ છોકરીના પરિવારજનોને કરતા મામલો બિચકયો હતો અને છોકરીના પરિવારના મહિલા તથા પુરૂષ સભ્યોએ ઉશ્કેરાઇ જઇ બે છાત્રોને ધોલધપાટ પણ કરી લેતા ત્યાં હાજર છાત્રની માતાનું બી.પી. લો થઇ જવાથી તે બેભાન થઇ ગયા હતાં.
જો કે આ બઘડાટી દરમિયાન સ્કુલના સ્ટાફે ખુબજ સંયમપૂર્વક સમગ્ર પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને ગુમ થયેલી છાત્રાના પરિવારને સમજાવી મામલો થાળે પાડયો હતો. આ ઘટનામાં માર ખાનાર છાત્રના પરિવારજનો, સ્કુલ સ્ટાફ કે છોકરીના પરિવારજનો પૈકી કોઇએ પોલીસનો સંપર્ક કર્યો નથી કે ફરિયાદ પણ કરી નથી. પરંતુ સ્કુલમાં અન્ય છાત્રોની હાજરીમાં ફિલ્મી ઢબ્બે બઘડાટી બોલાવી રિવોલ્વર કાઢવાની ઘટનાથી અન્ય છાત્રો ફફડી ઉઠયા હતાં અને આ અંગે વાલી વર્ગને જાણ થતાં વાલીઓમાં પણ રોષ સાથે ગણગણાટ શરૂ થયો છે.
આ ઘટના બન્યાનો સ્કુલના સંચાલકોએ પણ સ્વીકાર કર્યો હતો જો કે તેમણે મામલો સંવેદનશીલ અને સગીર છાત્રા ગુમ થવાનો હોવાથી ઘરમેળે સમાધાન થઇ ગયાનું જણાવ્યું હતું.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુમ થનાર છોકરી જૂના રાજકોટ વિસ્તારમાં રહે છે અને અગાઉ ધો. 12 સુધી આ સ્કુલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ છેલ્લા ચાલુ વર્ષથી કાલાવડ રોડ પર આવેલી કોલેજમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ ગત બુધવારે આ સગીર છાત્રા અચાનક ગુમ થઇ જતા તેના મોબાઇલના કોલ ડિટેઇલના આધારે જૂના સ્કુલ મિત્રના સંપર્કમાં હોવાનું બહાર આવતા છોકરીના પરિવારજનોએ આ સ્કુલે ધસી આવી બઘડાટી બોલાવી હતી.