ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં માતા સાથે ફોનમાં વાત કરતા છાત્રનું વીજશોકથી મોત

મૂળ બિહારનો વતની અને હાલ કણકોટ રોડ પર ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી માતા સાથે ફોનમાં વાત કરતો હતો ત્યારે સ્ટ્રીટ લાઇટના પાઈપને અડી…

મૂળ બિહારનો વતની અને હાલ કણકોટ રોડ પર ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી માતા સાથે ફોનમાં વાત કરતો હતો ત્યારે સ્ટ્રીટ લાઇટના પાઈપને અડી જતા વીજશોક લાગતા મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. છેલ્લા બે દિવસથી હોસ્ટેલ પરિસરમાં શોર્ટ આવતો હોવાની જાણ કરવા છતાં ધ્યાન આપવામાં નહિ આવતા હોસ્ટેલના સત્તાધીશોની બેદરકારીના કારણે ઘટના ઘટી હોવાનો અન્ય છાત્રોએ આક્ષેપ કર્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ બિહારનો વતની અને હાલ કણકોટ રોડ પર ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી ધ્રુવ મદનમોહનભાઈ ઝા નામનો 20 વર્ષનો યુવાન રાત્રીના સમયે લોબીમાં માતા સાથે ફોનમાં વાત કરતો હતો. તે વેળાએ સ્ટ્રીટ લાઇટના પાઈપને અડી જતા વીજશોક લાગતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા માતા-પિતાના આધાર સ્થંભ અને બે બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક ધ્રુવ છેલ્લા બે વર્ષથી એન્જિનીયરિંગ કોલેજમાં રોબોટીક્સ બ્રાંચમાં પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. તેના માતા-પિતા વાપી રહે છે. તે બે બહેનમાં નાનો હતો. આજે રાત્રે તે માતા સાથે ફોનમાં વાત કરતો હતો. ત્યારે વાત કરતો લોબીમાં ગયા બાદ વરસાદના કારણે સ્ટ્રીટ લાઇટનો પાઈપ ભીનો હતો. અચાનક તેનો હાથ પાઈપને અડી જતા શોર્ટ લાગ્યો ત્યારે ચાલુ ફોનમાં શોર્ટ લાગ્યો એટલું બોલ્યા બાદ ઢળી પડ્યો હતો. માતાએ તુરંત જ ફોન કરી તેના સહપાઠી છાત્રને જાણ કરતા હોસ્ટેલમાં રહેતા છાત્રો તથા પ્રોફેસરો દોડી આવ્યા હતા અને યુવકને સારવારમાં ખસેડયો હતો. છેલ્લા બે દિવસથી હોસ્ટેલ પરિસરમાં વીજ શોકની ગંભીર સમસ્યા હતી. ગુરૂૂવારે રાત્રે 12 વાગ્યે વિદ્યાર્થીઓએ વીજ શોક લાગતો હોવાનો વીડિયો બનાવીને વોચમેનને મોકલી ફરિયાદ પણ કરી હતી. શુક્રવારે સવારે ઇલેક્ટ્રિક ટેકનિશિયન આવ્યા હતા પરંતુ બધું સરખું થઈ ગયું છે તેમ કહીને રવાના થઈ ગયા હતા. તંત્રની આ વેઠ ઉતારવાની નીતિને કારણે વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હોવાનો અન્ય વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *