જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામમાં ધોરણ-12ની બોર્ડની આગામી પરીક્ષાના ડર અને ટેન્શનને કારણે એક સગીરાએ ગળેફાંસો ખાઈ પોતાની જીવનનો અંત આણ્યો છે. મૃતક વિદ્યાર્થીની અભ્યાસમાં થોડી નબળી હોવાથી તે છેલ્લા કેટલાક સમયથી સતત માનસિક તણાવમાં રહેતી હતી, જેના પરિણામે તેણે આ અત્યંત આઘાતજનક પગલું ભર્યું હોવાનું પિતાનું કહેવું છે.એક દીકરીના આવા કરુણ અંતથી તેના પિતા અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે, જ્યારે સમગ્ર મેંદપરા પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક સગીરાના પિતાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં પોતાની વ્હાલસોયી દીકરીના અપમૃત્યુ અંગેની જાણ કરી છે.મૃતક સગીરાના પિતાએ પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ સગીરા ધોરણ-12 માં અભ્યાસ કરતી હતી. માર્ચ મહિનામાં આવતી બોર્ડની પરીક્ષા હવે નજીક હતી.
પરંતુ દીકરી અભ્યાસમાં થોડી નબળી હોવાથી તે સતત તણાવમાં રહેતી હતી. ‘પોતે બોર્ડની પરીક્ષામાં પાસ થશે કે કેમ?’ તેવા ડર અને માનસિક ટેન્શનના કારણે તેણે 23 ડિસેમ્બરના રોજ સવારે પોતાના ઘરે છત સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસને જાણ કરાય હતી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સગીર વયના બાળકોમાં આત્મહત્યાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. નાની ઉંમરમાં ભણતરનો બોજ, વાલીઓની અપેક્ષાઓ અને માનસિક રીતે નબળા પડતા બાળકો જિંદગી સામે હાર માની લે છે.
પીપળીયા ગામના આ કિસ્સો પણ એક લાલબત્તી સમાન છે. નિષ્ણાંતોના મતે, જ્યારે બાળક અભ્યાસમાં નબળું હોય કે ટેન્શનમાં હોય ત્યારે તેને ડર બતાવવાને બદલે પ્રેમ અને હુંફની જરૂૂર હોય છે. બોર્ડની પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી તે સમજાવવામાં ક્યાંક આપણે ઉણા ઉતરી રહ્યા છીએ. આ ઘટના બાદ મનોચિકિત્સકો અને સામાજિક કાર્યકરો અપીલ કરી રહ્યા છે કે, વાલીઓએ પોતાના બાળકો સાથે મિત્રતાભર્યું વર્તન રાખવું જોઈએ. જો બાળક ગુમસુમ રહેતું હોય કે અભ્યાસના કારણે સતત ચિંતિત હોય, તો તેની સાથે સંવાદ સાધવો અનિવાર્ય છે. નાની ઉંમરે બાળકો જે રીતે આત્મઘાતી પગલાં ભરી રહ્યા છે, તે સમાજ માટે ચેતવણીરૂૂપ છે. ભેસાણ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂૂ કરી છે.
