શિયાળાની શરૂઆતમાં જ રોગચાળો વકર્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં લોધિકાના છાપરા ગામે મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારની આઠ માસની બાળાનું તાવની બિમારી સબબ મોત નિપજતાં શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, લોધિકાના છાપરા ગામે મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારની સાક્ષીબેન સુજીતભાઈ કશ્યપ નામની આઠ મહિનાની માસુમ બાળકી તાવ અને શ્ર્વાસની બિમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક બાળકીનો પરિવાર મુળ બિહારનો વતની છે અને છાપરા ગામે કંપનીમાં કામ કરે છે. મૃતક બાળકી તેના માતા-પિતાની એકની એક લાડકવાયી પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં કોટડાસાંગાણીના પાંચ તલાવડી ગામે રહેતાં પિન્ટુભાઈ હસમુખભાઈ મેટારીયા નામની 30 વર્ષનો યુવાન સવારના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં ઉલ્ટી થતાની સાથે જ બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકને સારવાર માટે સરધારબાગ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
