ટર્મિનલ પર ઉભેલા વિમાનો આસપાસના વાહનો સાથે અથડાયા, ફલાઈટ્સનું શેડ્યૂલ ખોરવાયું
દેશની રાજધાની દિલ્હીમાં આવેલા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કુદરતી આફતને કારણે એવિએશન સેક્ટરને મોટો ફટકો પડ્યો છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં અચાનક ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડા અને વિનાશક તેજ પવનના કારણે એરપોર્ટના પાર્કિંગ એરિયામાં પાર્ક કરીને ઊભેલા દેશની અગ્રણી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાના 3 મોટા વિમાનોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. કુદરતના આ પ્રકોપ દરમિયાન હવાની ગતિ એટલી તીવ્ર હતી કે રનવે અને ટર્મિનલ નજીક ઊભેલા વિમાનો પોતાની જગ્યા પરથી હલી ગયા હતા અને આસપાસના સાધનો સાથે અથડાયા હતા.
એરપોર્ટ સત્તાવાળાઓ પાસેથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, અચાનક આવેલા વાવાઝોડાને કારણે ગ્રાઉન્ડ સપોર્ટ માટે રનવે પર રાખવામાં આવેલી લોજિસ્ટિક ટ્રોલીઓ, ક્ધટેનરો અને અન્ય વહીવટી વાહનો હવામાં ફંગોળાયા હતા. આ બેકાબૂ બનેલા ગ્રાઉન્ડ વાહનો સીધા પાર્ક કરેલા એર ઇન્ડિયાના વિમાનોના પાંખો (Wings) અને એન્જિનના ભાગે ધડાકાભેર અથડાયા હતા. આ અથડામણને કારણે વિમાનોની બોડી અને પાંખોના ભાગે મોટા સ્ક્રેચ તેમજ ટેકનિકલ નુકસાન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ દુર્ઘટના બનતાની સાથે જ એરપોર્ટની સેફ્ટી ટીમ અને એર ઇન્ડિયાના એન્જિનિયરોની વિશેષ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સુરક્ષાના કડક પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, નુકસાનગ્રસ્ત થયેલા ત્રણેય વિમાનોને તાત્કાલિક અસરથી ફ્લાઇટ ઓપરેશનમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમને રિપેરિંગ તેમજ સઘન ટેકનિકલ ફિટનેસ ચકાસણી માટે હેંગરમાં મોકલી દેવાયા છે. એરલાઇન્સના ટેકનિકલ નિષ્ણાતો દ્વારા આ વિમાનો ફરીથી ઉડાન ભરવા માટે કેટલા સુરક્ષિત છે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
