હિરાસર એરપોર્ટ પાસે ત્રણ યાત્રિ વાહનો ઉપર પથ્થરમારો

મોડીરાત્રે અજાણ્યા શખ્સો પથ્થરમારો કરી અંધારામાં ગાયબ, નાથદ્વારા જતાં ટેમ્પોના ચાલકને ઈજા થતાં દેકારો રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય તેમ ક્રાઈમના…

મોડીરાત્રે અજાણ્યા શખ્સો પથ્થરમારો કરી અંધારામાં ગાયબ, નાથદ્વારા જતાં ટેમ્પોના ચાલકને ઈજા થતાં દેકારો

રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા હીરાસર એરપોર્ટ પાસે મધરાત્રે અજાણ્યા શખ્સોએ ત્રણ વાહન ઉપર પથ્થરમારો કર્યો હતો જેમાં માણાવદરથી નાથદ્વાર ટુરમાં જતા ટેમ્પો ટ્રાવેલ્સના ચાલકને ઇજા પહોંચી હતી. ટેમ્પો ટ્રાવેલ્સના ચાલકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જુનાગઢના માણાવદરમાં રહેતા કિશોરભાઈ મોહનભાઈ સુરેજા નામના 56 વર્ષ આધેડ માણાવદરથી પોતાની ટેમ્પો ટ્રાવેલ્સ લઈ રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક આવેલા હીરાસર એરપોર્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રાત્રિના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સોએ ટેમ્પો ટ્રાવેલ્સ ઉપર પથ્થરમારો કર્યો હતો જે પથ્થરમારામાં ટેમ્પો ટ્રાવેલ્સના કાચ તૂટી ગયા હતા અને ટેમ્પો ટ્રાવેલ્સના ચાલક કિશોરભાઈ સુરેજાને ઇજા પહોંચી હતી કિશોરભાઈ સુરેજાને તાત્કાલિક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં કિશોરભાઈ સુરેજા મૂળ માણાવદરના વતની છે. કિશોરભાઈ સુરેજા કૌટુંબિક પરિવારના 14 જેટલા વ્યક્તિને ટેમ્પો ટ્રાવેલ્સમાં લઈ નાથદ્વારની ટૂરમાં જવા નીકળ્યા હતા તે દરમિયાન એરપોર્ટ રોડ પર પહોંચતા તેની આગળ જતી બે ગાડી ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હતા તે દરમિયાન જ ત્યાંથી પસાર થઈ રહેલી ટેમ્પો ટ્રાવેલ્સ ઉપર પણ અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો જેમાં ટેમ્પો ટ્રાવેલ્સના કાચ તૂટી જતા ટેમ્પો ટ્રાવેલ્સના ચાલક કિશોરભાઈ સુરેજાને ઇજા પહોંચી હતી.

ત્રણેય ગાડીના ચાલકોએ ગાડી ઉભી રાખી પથ્થરમારો કરનાર શખ્સોનો પીછો કર્યો હતો પરંતુ પથ્થરમારો કરનાર અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે એરપોર્ટ પોલીસે નોંધ કરી વાહનો ઉપર પથ્થરમારો કરનાર અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *