કોઠારિયા રોડ પર જૂની અદાવતમાં પડોશીઓ વચ્ચે પથ્થરમારો-કાચના ઘા કર્યા

સાત-આઠ વર્ષ પહેલાં થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કરાયો: રાત્રે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો મહિલાને માથામાં ધારદાર વસ્તુ લાગતા આંઠ ટાંકા લેવા પડ્યા, સામસામી ફરિયાદ…

સાત-આઠ વર્ષ પહેલાં થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કરાયો: રાત્રે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

મહિલાને માથામાં ધારદાર વસ્તુ લાગતા આંઠ ટાંકા લેવા પડ્યા, સામસામી ફરિયાદ

રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર જૂની અદાવતને લઈને બે પાડોશી પરિવારો વચ્ચે મોડી રાત્રે સામસામી મારામારી થઈ હતી.ઘનશ્યામનગર શેરી નંબર 16 અને 17 માં રહેતા પરિવારો વચ્ચે થયેલા આ ઝઘડામાં પથ્થરો, ઇંટો અને કાચના ધારદાર ટુકડાઓ વડે હુમલો કરવામાં આવતા બંને પક્ષના લોકો લોહીલુહાણ થયા હતા.આ બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં સામસામી ફરિયાદો નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તેમજ રાત્રીના સમયે ભક્તિનગર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ,આ અથડામણ રવિવારે મોડી રાત્રે થઈ હતી જ્યારે જૂના ઝઘડાના મનદુ:ખમાં પડોશીઓ સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં મામલો બીચક્યો હતો.

આ કેસની વિગતવાર વિગતો જોઈએ તો, પ્રથમ ફરિયાદ કિંજલબેન પંકજભાઈ વાઘેલા દ્વારા નોંધાવવામાં આવી છે, જેઓ રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ ઘનશ્યામનગર શેરી નંબર 16, આંબેડકર ભવન પાસે રહે છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે આશરે 10:30 કલાકે તેમના પતિ પંકજભાઈ બહાર નીકળ્યા ત્યારે પાડોશમાં રહેતા લાલાભાઈ કાળુભાઈ સાગઠીયાએ જૂની અદાવત રાખી ગાળાગાળી શરૂૂ કરી હતી. સાત-આઠ વર્ષ પહેલાં થયેલા ઝઘડાનો ખાર રાખીને લાલાભાઈ, તેની બહેન હેતલબેન, પત્ની કલીબેન અને કિરણની દીકરી ભૂરીએ ભેગા મળીને હુમલો કર્યો હતો. આરોપ મુજબ, લાલાભાઈએ કાચની ધારદાર વસ્તુ વડે કિંજલબેનના માથામાં અને આંગળીઓ પર ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેમને માથામાં 8 જેટલા ટાંકા લેવા પડ્યા હતા.

બીજી તરફ, સામા પક્ષે પરેશભાઈ ચંદુભાઈ સાગઠીયાએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. પરેશભાઈ ઘનશ્યામનગર શેરી નંબર 17, આનંદ સર્વિસ સ્ટેશન પાસે, આંબેડકર ભવન નજીક રહે છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, જ્યારે તેઓ રાત્રે ઘરે જમી રહ્યા હતા ત્યારે બહાર દેકારો સંભળાયો હતો. બહાર નીકળીને જોયું તો તેમનો કાકાનો દીકરો આકાશ ઉર્ફે લાલો સાગઠીયા અને પાડોશી કિંજલબેન વાઘેલા વચ્ચે બોલાચાલી ચાલતી હતી. પરેશભાઈ આ ઝઘડો શાંત પાડવા વચ્ચે પડ્યા ત્યારે અગાસી પરથી કિંજલબેન અને તેમના પતિ પંકજભાઈ વાઘેલાએ પથ્થરો અને કાચના છૂટા ઘા કરવાનું શરૂૂ કર્યું હતું. આ પથ્થરમારામાં પરેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસ કંટ્રોલ રૂૂમની પી.સી.આર. વેન અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત કિંજલબેન અને પરેશભાઈ બંનેને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભક્તિનગર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમો 115(2), 118(1), 125(ફ), 352 અને 54 તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પીઆઇ જે.ડી.પરમારની રાહબરીમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર વસાવા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *