ઘટના બાદ તંગદિલી સર્જાતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, સીસીટીવીના આધારે તપાસ
ગોંડલમાં ગત રાત્રીનાં ખટારા સ્ટેન્ડ ડો.આંબેડકરનાં પુતળા પાસે પથ્થરમારો કરી રીક્ષાને આગ ચાંપી દેવાતા રીક્ષા સળગીને ખાખ થઈ ગઈ હતી.બનાવ ની જાણ થતા દોડી આવેલા ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.જુની માથાકુટ ને કારણે રીક્ષામાં આગ લગાવાયાનું બહાર આવ્યું હતું.બનાવ અંગે એ’ડીવીઝન પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરીછે.
શહેરના નાની બજાર વિસ્તારમાં રહેતા સાદીકભાઈ આદમભાઈ મીઠાણી નામના રિક્ષાચાલકે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના ભાઈની રિક્ષા ચલાવીને રોજગાર મેળવે છે. ફરિયાદ અનુસાર, સાદીકભાઈ ગઈકાલે બપોરના સમયે પોતાની રિક્ષા નંબર GJ-03-3346 ને ડો. બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ પાસે પાર્ક કરી કામ અર્થે રાજકોટ ગયા હતા. રાત્રે પરત ફર્યા ત્યારે તેમની રિક્ષા સંપૂર્ણ રીતે સળગેલી હાલતમાં મળી આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન આ ઘટનામાં ત્રણ શખ્સોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જેમાં સોયબ મામનભાઈ,પીંજારો,અને સિકંદર ઉર્ફે સીકલો સલીમભાઈ શેખનો સમાવેશ થાય છે. જેની સામે પલીસ ફરીયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી સિકંદર ઉર્ફે સીકલો સાથે સાદીકભાઈને આશરે દોઢ વર્ષ પહેલા કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓએ મોકો જોઈ રિક્ષા પર કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ પથ્થરમારો કર્યો હોવાનું જણાવ્યું હતું. રિક્ષાચાલકને અંદાજે રૂૂ. 20,000/-નું આર્થિક નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે પોલીસ માં ફરિયાદ થતા હેડ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ જાડેજા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
