જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં શહેરના વિવિધ વિકાસકામો માટે કુલ રૂૂ. 15.26 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં કમિશનર ડી.એન. મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જિનિયર ભાવેશભાઈ જાની, અને ઈચા. આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ સહિત 11 સભ્યો હાજર રહ્યા હતા.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નં. 12માં સી.સી. રોડ અને પેવર બ્લોકના કામ માટે રૂૂ. 35.13 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન રિઝર્વના ફાઈનલ પ્લોટ નં. 82, 66, 73, 78 અને ખીજડીયા પમ્પ હાઉસ પાસેની જગ્યાના ગાર્ડન ડેવલપમેન્ટ માટેની દરખાસ્ત જનરલ બોર્ડમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો.
શહેરના સુંદર્યકરણ માટે વોર્ડ નં. 5, 9, 13 અને 14માં ગાર્ડન અને ટ્રાફિકના કામો માટે કુલ રૂૂ. 77.63 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં જોગર્સ પાર્ક ઔષધી બાગનું ડેવલપમેન્ટ પણ સામેલ છે. જામનગર શહેરમાં પ્રવેશવાના અને બહાર જવાના રસ્તાઓ પર દિશા સૂચક બોર્ડ લગાવવા માટે રૂૂ. 20.33 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા.
ફાયર અને ઈમરજન્સી સર્વિસ માટે નવી મીની રેસ્ક્યુ વાન ખરીદવા માટે રૂૂ. 168 લાખ, બેડી અને હાપા વિસ્તારમાં શેલ્ટર હોમના ઓપરેશન અને મેનેજમેન્ટ માટે રૂૂ. 51.23 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. પાણી પુરવઠા માટે પી.એ.સી. 10 ટકાની ખરીદી માટે રૂૂ. 102.89 લાખ અને લીકવીડ ક્લોરીન ટર્નરની ખરીદી માટે રૂૂ. 10.21 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા.
શહેરની સ્ટ્રીટલાઈટોના મેન્ટેનન્સ માટે રૂૂ. 52.48 લાખ, પ્રિન્ટિંગ કામ માટે રૂૂ. 8 લાખ, ઓફિસ ફર્નિચર માટે રૂૂ. 10 લાખ, કોમ્પ્યુટર હાર્ડવેર અને સી.સી.ટી.વી.ના મેન્ટેનન્સ માટે કુલ રૂૂ. 66.81 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. ઈ-ગવર્નન્સ સોલ્યુશનના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે રૂૂ. 369.75 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠાના કામ માટે રૂૂ. 543.79 લાખ અને ગુજરાત રાજ્ય સ્થાપના દિન વિશેષાંકમાં જાહેરાત માટે રૂૂ. 26,250 મંજૂર કરવામાં આવ્યા હતા. આમ, જામનગર શહેરના વિકાસ માટે સ્ટેન્ડિંગ કમિટીએ કુલ રૂૂ. 15.26 કરોડના વિવિધ કામોને મંજૂરી આપી હતી.
