મનપાના જન્મ-મરણ વિભાગમાં સ્ટાફના ફાંફાં: અરજદારોમાં ભારે દેકારો

સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે છેલ્લા ઘણા સમયથી અરજદારોની લાગતી લાઈનો, પૂરતો સ્ટાફ ન હોય બે કિટ ઉપર ગબડાવાતું ગાડું ઘણા સમયથી સ્ટાફની માગણી કરવામાં આવી…

સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે છેલ્લા ઘણા સમયથી અરજદારોની લાગતી લાઈનો, પૂરતો સ્ટાફ ન હોય બે કિટ ઉપર ગબડાવાતું ગાડું

ઘણા સમયથી સ્ટાફની માગણી કરવામાં આવી છે છતાં પદાધિકારીઓ કે અધિકારીઓ ધ્યાન આપતા નથી: વિભાગીય અધિકારીઓ

મહાનગરપાલિકાની અલગ અલગ પ્રકારની જાહેર સેવાઓ પૈકી જન્મ-મરણ વિભાગ અને આધારકાર્ડ વિભાગમાં સૌથી વધુ અરજદારો રોજીંદા જોવા મળતા હોય છે. બજેટમાં આધારકાર્ડની કામગીરી વોર્ડવાઈઝ કરવાની મસમોટી જાહેરાત કરી દીધી પરંતુ દિવા નીચે અંધારુ હોય તેમ મહાપાલિકાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવેલ જન્મ-મરણ વિભાગની કચેરીમાં છેલ્લા એક સપ્તાહથી મોટી લાઈનો લાગી રહી છે અને અરજદારોમાં દેકારો બોલી ગયો છે. જેનું કારણ જન્મ-મરણ વિભાગમાં સ્ટાફ પુરતો ન હોવાથી ફક્ત બે કિટથી ગાડુ ગબડાવતું હોય અરજદારો પરેશાન થઈ રહ્યા છે અને આ મુદદ્દે ઉપર સુધી રજૂઆત કરેલ હોવા છતાં આજ સુધી આ મુદ્દેકોઈ કાર્યવાહી ન થતાં મુશ્કેલી આજે પણ યથાવત રહેવા પામી છે.

મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલ કચેરી ખાતે જન્મ-મરણ વિભાગની કચેરી કાર્યરત છે. નવા જન્મના દાખલા તેમજ મરણના દાખલા માટે અરજદારોની દરરોજ ભારે ભીડ રહેતી હોય છે. તેવામાં આધારકાર્ડ માટે જન્મનો પુરો દાખલો આપવાનો નિયમ ફરજિયાત બનાવતા છેલ્લા ઘણા સમયથી અગાઉના જન્મના દાખલાને પુરા નામનો દાખલો બનાવવા માટે અરજદારો ઉમટી પડે છે.

ત્રણેય ઝોનલ કચેરી ખાતે ચાર ચાર કીટ ફાળવવામાં આવી છે. અને જન્મ-મરણ વિભાગની કચેરીમાં મોટાભાગનો સ્ટાફ કોન્ટ્રાક્ટ બેઈઝ ઉપર રાખવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ત્રણેય ઝોનલ કચેરીખાતે અરજદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. દરરોજ સવારથી અરજદારો જન્મ-મરણ વિભાગની કચેરીએ લાઈનમાં ઉભા રહી જાય છે. જે ત્રણ વાગ્યા સુધી લાઈનો જોવા મળી રહી છે. આ મુદદ્દે જન્મ મરણ વિભાગમાં તપાસ કરતા માલુમ પડેલ કે, સેન્ટ્રલઝોન કચેરી ખાતે જન્મ-મરણના કામ માટે ચાર કિટ ફાળવવામાં આવી છે. પરંતુ અપુરતા સ્ટાફના કારણે દરરોજ બે કિટ ઉપર જ કામ થઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી સ્ટાફની માંગણી કરવામાં આવી રહી છે. પરંતુ અધિકારીઓ અને પદાધિકારીઓ આ બાબતે આજ સુધી ધ્યાન આપ્યું નથી. જેના લીધે છેલ્લા એક સપ્તાહથી અરજદારો ધોમ તડકામાં લાઈનમાં ઉભા રહેવા મજબુર બની રહ્યા છે.

મનપાના જન્મ-મરણ વિભાગમાં આમ તો આખુ વર્ષ અરજદારોની લાઈનો જોવા મળતી હોય છે. પરંતુ સપ્તાહમાં સોમવાર અને બુધવારના રોજ વધુ અજદારો હોય છે. જેના લીધે કચેરીમાં પણ વધારાની કીટો ફાળવવી જોઈએ તેવી અગાઉ માંગ ઉઠી હતી. જેની સામે રૂટીન કામગીરીમાં પણ સ્ટાફના ફાફા પડતા હોવાનું જાણવા મળેલ છે.

ત્યારે પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આધારકાર્ડની કામગીરી વોર્ડવાઈઝ કરવાની જાહેરાત કરી છે. આથી અરજદારો કહી રહ્યા છે કે, ત્રણ સ્થળે પુરતો સ્ટાફ આપી શકવામાં નિષ્ફળ રહેલ પદાધિકારીઓ વોર્ડવાઈઝ કામગીરી કેવી રીતે કરશે. આથી જન્મ-મરણ વિભાગમાં ઘટતો સ્ટાફ ઝડપથી પુરો પાડવામાં આવે તેવી જન્મ-મરણ વિભાગના અધિકારીઓ અને અરજદારોની માંગ છે.

સર્વર ડાઉનનો ડખો તો ઉભો ને ઉભો
મનપાના જન્મ-મરણ વિભાગમાં રોજીંદા અરજદારોની ભારે ભીડ જોવા મળે છે એક તો સ્ટાફ ઓછો હોવાના કારણે અરજદારોના સમયનો વેડફાટ થઈ રહ્યો છે. જેની સામે અવાર નવાર સર્વર ડાઉનથવાની ઘટના તેમજ કનેક્ટીવીટી લો થઈ જવાની ઘટનાઓ પણ રોજીંદી બની ગઈ છે. આથી જન્મ-મરણ વિભાગમાં આગામી દિવસોમાં કીટ પ્રમાણેનો પુરતો સ્ટાફ ફાળવવામાં આવે તો પણ કનેક્ટીવીટી અને સર્વર ડાઉન થવાનો ડખ્ખો તો કાયમી ઉભો જ રહેશે તેમ જન્મ-મરણ વિભાગના અધિકારીઓ જ કહી રહ્યા છે જેનું નિરાકરણ ઝડપથી આવે તો કામગીરી સરળ બને તેમ પણ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *