શહેરમાં મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળાએ માથું ઊંચક્યું હોય તેમ રોગચાળો જીવલેણ બન્યો છે. ત્યારે વધુ એક બનાવમાં નાના મવા સર્કલ પાસે આવેલ સ્પીડવેલ હાઇટ્સમાં રહેતી સગીરાનું ઝાડા ઉલટીની બીમારી સબબ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં નાના મવા સર્કલ પાસે આવેલ સ્પીડવેલ હાઇટ્સમાં રહેતી પલબેન ધર્મેન્દ્રભાઈ રામોલિયા નામની 15 વર્ષની સગીરા સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી. ત્યારે ઝાડા ઉલટીની બીમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડી હતી સગીરાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ ઉપરાંત બીજા બનાવમાં મોરબી રોડ ઉપર આવેલા જકાતનાકા પાસે શ્રીપાલ સોસાયટીમાં રહેતા અમિત કાંતિલાલ પરમાર નામનો 32 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે સાંજના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં અમિત પરમારે મિત્રો પાસેથી રૂૂપિયા વ્યાજે લીધા હતા જે રૂૂપિયાની ઉઘરાણી કરી મિત્રોએ ધમકી આપતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.