મોબાઇલમાં હત્યાનો વીડિયો જોઇ ખુન્નસે ભરાયેલા શખ્સે માતાના પ્રેમીને દોઢ મિનિટમાં છરીના છ ઘા ઝીંકયા
જેતપુર શહેરના કણકીયા પ્લોટ ખાતે 35 વર્ષીય કમલેશ વાઘેલા નામના વ્યક્તિને સરાજાહેર છરીના તીક્ષ્ણ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા હાલ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
માતાના પ્રેમીની હત્યા પૂર્વે મોબાઇલમાં હત્યાનો વિડીયો જોયા બાદ યુવકે દોઢ મીનીટમાં છરીના છ ઝા ઝીંકી માતાના પ્રેમીને રહેંસી નાખ્યો હતો.બનાવ સંદર્ભે મૃતકના નાના ભાઈ કપિલ વાઘેલા દ્વારા જયંત વાઘેલા નામના વ્યક્તિ વિરુદ્ધ રાજકોટ ગ્રામ્યના જેતપુર શહેર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103(1) સહિતની કલમ અંતર્ગત ફરિયાદ નોંધાવતા જેતપુર શહેર પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે.પોલીસને આપેલી ફરિયાદમાં કપિલ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેના મોટાભાઈ કમલેશ વાઘેલા દ્વારા જયંતની માતા નીતા સાથે છેલ્લા ઘણા વર્ષોથી મૈત્રી કરાર કરીને રહે છે. જે મૈત્રી કરાર જયંતના પિતા કાળુ વાઘેલાની હૈયાતીમાં કમલેશ દ્વારા કરવામાં આવ્યા હતા.
જે બાબતનું મન દુ:ખ રાખીને 7 જુલાઈ 2026ના રોજ જયંત દ્વારા કમલેશને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ દ્વારા મૃતકના ભાઈ કપિલ વાઘેલાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જે અંતર્ગત તેણે જણાવ્યું હતું કે, કમલેશ વાઘેલા જેતપુર નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ કામદાર તરીકે કામકાજ કરતા હતા. 12 વર્ષ પૂર્વે નીતા નૈયા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા નીતા નૈયા તેના પતિ કાળુ વાઘેલાની હયાતીમાં પોતાના પતિ કાળુ વાઘેલાને છોડીને કમલેશ વાઘેલા સાથે મૈત્રી કરાર કરીને રહેવા લાગી હતી. કાળુ વાઘેલાનું મૃત્યુ અંદાજિત દસ વર્ષ પૂર્વે થયું હતું.
નીતાને પોતાના પ્રથમ પતિ થકી ત્રણ સંતાનો થયા હતા. જેમાં બે દીકરા અને દીકરીનો સમાવેશ થાય છે. જે પૈકી તુલસી નામની દીકરીને કમલેશ વાઘેલા દ્વારા દત્તક લેવામાં આવી હતી. નીતાએ મૈત્રી કરાર કર્યા બાદ પોતાના બે દીકરા જયંત તેમજ અર્જુન સાથે કોઈ વ્યવહાર ન હતો. બંને દીકરાઓ પોતાની રીતે રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહે છે.જેતપુર શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ એ. ડી. પરમાર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં 12 વર્ષથી કમલેશ તેમજ નીતા મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા. દરમિયાન નીતાની દીકરીને પણ મૃતક કમલેશ વાઘેલા દ્વારા પરણાવવામાં આવી હતી.
જ્યારે કે, નીતાના અન્ય બે દીકરાઓ રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. જે પૈકી જયંત દ્વારા કમલેશની હત્યા નિપજાવવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કમલેશ મજૂરી કામકાજ સાથે સંકળાયેલો હોવાનું તેમજ કણકીયા પ્લોટ વિસ્તારમાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના શરીરના જુદા જુદા ભાગે છરીના 5થી વધુ ઘા મારવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. દોઢ મીનીટમાં જયંતે માતાના પ્રેમીને છ ઘા ઝીંકી દીધા હતા.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફૂટેજમાં જે ઓડિયો સાંભળવા મળી રહ્યો છે. તેમાં સ્પષ્ટપણે સાંભળવા મળે છે કે, મૃતક કમલેશ વાઘેલા સમગ્ર ઘટના નિહાળી રહેલા લોકોને બચાવવા બાબતે આજીજી કરી રહ્યો છે. તો સાથે જ કમલેશ વાઘેલા આરોપી જયંત વાઘેલાને પણ આજીજી કરતો નજરે પડી રહ્યો છે. જયંતને કહી રહ્યો છે કે, કોઈને મેં કંઈ કર્યું નથી. તો સામાપક્ષે જયંત પણ કહી રહ્યો છે કે મેં તમને ના પાડી હતી કે નઈ? સીસીટીવીમાં જયંત સાથે અન્ય પણ એક વ્યક્તિ દેખાઈ રહ્યો છે. તે વ્યક્તિ કોણ છે તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી છે.
