જામનગર પંથકમાં ચાર ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો

ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી તસ્કર ગેંગ જામનગર પંથકમાં ઉતરી આવી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એક સાથે પૌરાણિક મંદિરો સહીત ચાર ધાર્મિક સ્થળોને નિકાન બનાવી…

ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી તસ્કર ગેંગ જામનગર પંથકમાં ઉતરી આવી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એક સાથે પૌરાણિક મંદિરો સહીત ચાર ધાર્મિક સ્થળોને નિકાન બનાવી સોના-ચાંદીના છતર, રોકડ સહીત રૂા.4 લાખ 30 હજારની માલમતા સમેટી ગયા હતા. તસ્કરોની નજરે ચડેલા ધર્મસ્થાનોમાં ચન્દ્રાગા ગામે ત્રણ મંદિર અને કાલાવડના બાલંભડી ગામે ખોડીયાર મંદિરમાં હાથફેરો કર્યો હતો.

જામનગર તાલુકાના ચન્દ્રાગા ગામમાં આવેલા ત્રણ પૌરાણિક મંદિરોમાં થયેલી ચોરીની ઘટનાએ ભક્તોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે. આ અંગે નવાગામ ઘેડ ખાતે રહેતા યશગીરીશભાઈ બાબુલાલ પરમારની ફરિયાદના મુજબ ખવાસ પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પૌરાણિક મંદિરમાં પરિવાર દ્વારા વર્ષોથી ચડાવવામાં આવેલા આશરે બે કિલો પંચધાતુના છત્તરો તેમજ બે ગ્રામ વજનનું સોનાનું છત્તર મળી અંદાજે રૂૂ. 1 લાખનો મુદ્દામાલ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. શરૂૂઆતમાં પરિવારજનોએ ગામમાં પૂછપરછ કરી તેમજ જાતે તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાળ મળી નહોતી. ત્યારબાદ મંદિરની બાજુમાં રહેતા વ્યક્તિએ ફોન કરીને મંદિરમાંથી છત્તરો ગાયબ હોવાની જાણ કરતાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા.

આ દરમિયાન વધુ તપાસ કરતાં ચન્દ્રાગા ગામની નદી પાસે આવેલા ખોડિયાર માતાજીના પૌરાણિક મંદિરમાંથી આશરે 14.5 કિલો વજનનો પિત્તળનો ઘંટ, જેની કિંમત અંદાજે રૂૂ. 10 હજાર છે, તે પણ ચોરી થયેલો હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત નજીકમાં આવેલા વાકોલ માતાજીના પૌરાણિક મઢમાંથી આશરે બે તોલા વજનનું સોનાનું ચળું (આભૂષણ), જેની કિંમત અંદાજે રૂૂ. 2 લાખ છે, તે પણ તસ્કરો ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસ ફરિયાદ મુજબ તા. 13 જૂન, 2026થી તા. 11 જુલાઈ, 2026 દરમિયાન કોઈપણ સમયે અજાણ્યા તસ્કરોએ ચન્દ્રાગા ગામના ત્રણ અલગ-અલગ પૌરાણિક મંદિરોને નિશાન બનાવી સોના, પંચધાતુના છત્તરો તથા પિત્તળના ઘંટ સહિત કુલ અંદાજે રૂૂ. 3.10 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ફરિયાદના આધારે પંચકોથી બી ડિવિઝન ના વિજય રાઠોડ અને તેઓની ટીમ તસ્કરોના સગડ મેળવવા કામે લાગ્યા છે.
જયારે અન્ય બનાવમાં કાલાવડ તાલુકાના બાલંભડી ગામે આવેલ અકબરી પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવતાં ભક્તોમાં રોષ અને ચિંતા ફેલાઈ છે. અજાણ્યા તસ્કરે મંદિરના ગર્ભગૃહના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી આશરે રૂૂ.1.20 લાખ કિંમતના ચાંદીના મોટા અને નાના છતરની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મંદિર ખાતે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

મંદિરની દેખરેખ રાખતા પ્રફુલભાઈ બચુભાઈ અકબરી (પટેલ) (ઉ.વ.58)એ કાલાવડ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તા.13 જુલાઈની રાત્રે ગામના હરસુખભાઈ જીવરાજભાઈ અકબરીનો ફોન આવ્યો હતો કે મંદિર ખાતે ચોરી થઈ છે. તેઓ તાત્કાલિક મંદિર પહોંચતા ગર્ભગૃહના દરવાજાના તાળાનો નકૂચો તૂટેલો જોવા મળ્યો હતો અને માતાજીને અર્પણ કરાયેલ આશરે 500 ગ્રામ વજનનું ચાંદીનું મોટું છતર તેમજ અન્ય આઠ જેટલા નાના ચાંદીના છતરાં ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારબાદ મંદિરના સીસીટીવી કેમેરાની તપાસ કરતાં રાત્રે અંદાજે 12:29 વાગ્યે મોઢા પર બુકાની બાંધેલો એક અજાણ્યો શખ્સ મંદિરની અંદર પ્રવેશતો જોવા મળ્યો હતો. તેણે કોઈ સાધન વડે ગર્ભગૃહના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ચાંદીનું મોટું છતર તથા અન્ય નાના છતરાં ચોરી લીધા હતા અને અંદાજે 12:35 વાગ્યે મંદિરમાંથી નીકળી ગયો હોવાનું કેમેરામાં કેદ થયું હતું. ચોરી ગયેલા સામાનમાં રૂૂ.1,18,000 કિંમતનું આશરે 500 ગ્રામ વજનનું ચાંદીનું મોટું છતર તથા રૂૂ.2,000 કિંમતના અન્ય નાના ચાંદીના છતરાં મળી કુલ રૂૂ.1,20,000નો મુદ્દામાલ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *