જૂનાગઢમાં દીકરીના લગ્ન માટે 20 વર્ષથી કમાયેલી લાખોની કમાણી તસ્કરો ચોરી ગયા

એક પરિવારના 20 વર્ષના અથાગ પરિશ્રમ, સપનાઓ અને દીકરીના લગ્નની તૈયારીઓ માટે જમા કરવામાં આવેલી મહેનતની કમાણી ઘરમાં માત્ર બે કલાકની ગેરહાજરીમાં તસ્કરોના હાથે ધૂળ…

એક પરિવારના 20 વર્ષના અથાગ પરિશ્રમ, સપનાઓ અને દીકરીના લગ્નની તૈયારીઓ માટે જમા કરવામાં આવેલી મહેનતની કમાણી ઘરમાં માત્ર બે કલાકની ગેરહાજરીમાં તસ્કરોના હાથે ધૂળ થઈ ગઈ. જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં રહેતા જયસુખભાઈ રૂૂપાપરા અને તેમનો પરિવાર કુળદેવતા સુરાપુરા બાપાના દર્શન માટે મંદિરે ગયા હતા ત્યારે ઘરના બંધ તાળાં અને બારીઓ તોડીને ચોરોએ 9 લાખ રૂૂપિયાની રોકડ અને 7 તોલા સોનાના ઘરેણાં પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા.

આ ચોરીની ઘટનામાં ભોગ બનનાર મકાન માલિક જયસુખભાઈ રૂૂપાપરાએ રડમસ અવાજે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “અમે સવારે સવા દસ વાગ્યે સુરાપુરા દાદાને પગે લાગવા ગયા હતા. સવા બાર વાગ્યે જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ઘરના તાળાં અને બારીઓ તૂટેલી હાલતમાં હતી. ઘરમાં તપાસ કરતા માલુમ પડ્યું કે દીકરીના લગ્ન માટે વર્ષોથી ભેગી કરેલી 9 લાખ રૂૂપિયાની રોકડ અને અંદાજે 7 તોલા સોનાના ઘરેણાં (પાટલા અને વીંટીઓ) તસ્કરો ચોરી ગયા છે. આ અમારી ત્રણ ભાઈઓની 20 વર્ષની મહેનતની કમાણી હતી જે તસ્કરો મિનિટોમાં સાફ કરી ગયા.

આ ઘટનાની જાણ થતા જ જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક ગોકુલધામ સોસાયટી ખાતે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને મકાનનું પંચનામું કર્યું છે. તસ્કરોને પકડવા માટે પોલીસે સોસાયટીના અને આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે, કારણ કે પરિવાર ક્યારે બહાર જાય છે તેની ચોક્કસ માહિતી તસ્કરો પાસે હોય એવું જણાય છે.

જયસુખભાઈએ પોલીસને વિનંતી કરી છે કે, આ કેસમાં કડક તપાસ કરવામાં આવે, કારણ કે ચોરાયેલી રકમ માત્ર પૈસા નથી પણ તેમના પરિવારના ભવિષ્યના સપનાઓ છે. ધોળા દિવસે થયેલી આ ચોરીને પગલે જોષીપુરા વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા હાલ અલગ-અલગ ટીમો બનાવી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *