ગોંડલ નવી કોર્ટની બાજુમાં જ આવેલી સરકારી ’કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી’ને નિશાન બનાવી તસ્કરોએ રાત્રિના અંધકારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. કોઈ અજ્ઞાત શખ્સો કચેરીની લોખંડની જાળી વાળી લાકડાની બારી તોડી કચેરીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા અને ત્યાં રાખવામાં આવેલ સરકારી મુદામાલની ચોરી કરીને ફરાર થઈ જતાં સરકારી આલમ સહિત પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ ચોરીના બનાવ અંગે ગ્રાહક સુરક્ષા કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી અને જુનાગઢ, મધુરમ નવી કલ્પ હોસ્પિટલની બાજુમાં, વિનાયક ગ્રીન સોસાયટી બ્લોક નં-57 માં રહેતા વિરલબેન મેઘજીભાઇ સગારકા દ્વારા ગોંડલ પોલીસ મથકમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કચેરીના અધિકારીઓ અને સ્ટાફ જ્યારે સવારે ફરજ પર હાજર થયા ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. તસ્કરો કચેરીની બારી તોડી અંદર ઘૂસ્યા બાદ ડેડસ્ટોક રજીસ્ટર મુજબના કિંમતી સરકારી સાધનોની ઉઠાંતરી કરી ગયા છે. ચોરી થયેલા સામાનની વિગતો અનુસાર, કચેરીમાં રાખેલા 20 કિલોના લોખંડના વજનિયા કુલ નંગ-50, લાકડાની પેટ્ટીમાં સુરક્ષિત રાખવામાં આવેલ વર્કીંગ સ્ટાન્ડર્ડ વેઇટનો સરસામાન , કાનૂની માપણી માટે અત્યંત જરૂૂરી એવો વર્કીંગ સ્ટાન્ડર્ડ મેજરનો સરસામાન તેમજ ઓફિસમાં રાખેલી વર્કીંગ સ્ટાન્ડર્ડની મીટરબારની પટ્ટી સહીત રૂૂ.9900 નો સમાવેશ થાય છે.
આમ, સરકારી રજીસ્ટરના આધારે કુલ રૂૂ. 9,954 ની કિંમતના સરકારી સાધનોની ચોરી થઈ હોવાનું ખુલ્યું છે. નવી કોર્ટ સંકુલની તદ્દન નજીક આવેલી સુરક્ષિત ગણાતી કચેરીમાં તસ્કરોએ ખાતર પાડતા સ્થાનીક સુરક્ષા વ્યવસ્થા અને નાઇટ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઉભા થયા છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે વિરલબેનની ફરિયાદના આધારે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી, કાનૂની માપ વિજ્ઞાન કચેરીની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવા સાથે તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
