રિક્ષામાં આવેલા તસ્કરોએ દર્શન કરવાના બહાને વહેલી સવારે ગુનાને અંજામ આપ્યો; એક શખ્સ બહાર રેકી કરતો હતો
રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોના વધતા ઉપદ્રવ વચ્ચે દીવાનપરા વિસ્તારમાં આવેલી ભરવાડ સમાજના લોકોની ગાઢ આસ્થાનું કેન્દ્ર ગણાતી મચ્છુ માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારના સુમારે બનેલી આ ઘટનામાં તસ્કરોએ મંદિરમાં રહેલી પવિત્ર દાનપેટીને નિશાન બનાવી હતી અને તેમાં ભક્તો દ્વારા ધરવામાં આવેલી અંદાજિત રૂૂપિયા એકથી દોઢ લાખ જેટલી માતબર રોકડ રકમની ચોરી કરીને નાસી છૂટ્યા હતા.
પ્રાથમિક વિગતો મુજબ, આ ચોરીને અજાણ્યા શખ્સો દ્વારા સુયોજિત પ્લાનિંગ સાથે અંજામ આપવામાં આવ્યો હતો. તસ્કરો એક રીક્ષામાં બેસીને આવ્યા હતા અને મંદિરની આસપાસ રેકી કરી રહ્યા હતા. તેમાંથી એક શખ્સ રીક્ષામાં બેસીને ચોકીદારી અને નજર રાખી રહ્યો હતો જ્યારે અન્ય શખ્સોએ મંદિરમાં દર્શન કરવાના બહાને પ્રવેશ કરીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
સવારના સમયે મંદિરના સંચાલકો કે આસપાસના લોકો દ્વારા દાનપેટી તૂટેલી હાલતમાં જોવામાં આવતા સમગ્ર ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેને લઈને સ્થાનિક લોકો અને ભરવાડ સમાજમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ ગઈ છે.
મંદિરમાં થયેલી લાખો રૂૂપિયાની ચોરીની આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વાઢીયા અને તેમની સક્રિય ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મંદિર અને તેની આસપાસના માર્ગો પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની અને તેની ઝીણવટભરી ચકાસણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સીસીટીવી ફૂટેજમાં તસ્કરો જે રીક્ષામાં આવ્યા હતા અને જે રીતે સમગ્ર વિસ્તારમાં રેકી કરી રહ્યા હતા તેની હિલચાલ સ્પષ્ટપણે નજરે પડી રહી છે, જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરવાનું શરૂૂ કરી દીધું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ટૂંક સમયમાં જ આ ગુનાને અંજામ આપનાર તસ્કરોને ઝડપી પાડવામાં આવશે.
