જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનુંગામ તથા અંબાલા ગામમાં ઘેટા બકરાની ચોરી થઈ હતી, જે ચોરી કરનાર ગેંગના એક સભ્યને એલસીબી ની ટુકડીએ ઝડપી લીધો છે, જ્યારે તેના અન્ય ચાર સાથીદારોની શોધખોળ હાથ ધરી છે.
જોડિયા તાલુકાના માવનુંગામમાં તેમજ અંબાલા ગામમાં વસવાટ કરતા ભરવાડ પરિવારના વાડામાંથી 2023 ની સાલમાં ઘેટા બકરાની ચોરી થઈ હતી, તે તસ્કર ગેંગ ને પકડવા માટે એલસીબી ની ટુકડીએ ઊંડાણપૂર્વકની શોધખોળ હાથ ધર્યા પછી મૂળ ખેડા જિલ્લાના વતની ઈશ્વર મનુભાઈ દેવીપુજક ને ઝડપી લીધો છે, અને તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.
જેણે ઉપરોક્ત બંને સ્થળેથી 2023 ની સાલમાં ઘેટા બકરાની ચોરી કરી હોવાનું કબૂલી લીધું છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે પોતાના અન્ય ચાર સાથીદારોના નામ આપ્યા હતા. જેમાં પરસોત્તમભાઈ પુંજાભાઈ દેવીપુજક, કે જે ખેડા જિલ્લાનો વતની છે, ઉપરાંત તેની સાથે નિઝામુદ્દીન મયુદ્દીન શેખ, ગોપાલ ઉર્ફે ઘટી તળપદા, અને ઠાકોરભાઈ રાયજીભાઈ દેવીપુજક ના નામો આપ્યા હતા, જે ચારેય આરોપીઓને પોલીસે ફરારી જાહેર કરી, તેઓની શોધખોળ હાથ ધરી છે. ઉપરોક્ત ગેંગ દ્વારા જોડિયામાં બે સ્થળે ઘેટા બકરાની ચોરી કર્યાની ઉપરાંત હિંમતનગર, વડોદરા, બાબરા અને પેટલાદમાં અન્ય પાંચ સ્થળે ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે.
