પુત્રીના લગ્ન સમયે જ બુકી રાકેશ પોપટ સહિત ત્રણની ધરપકડ, મિહિર કલ્યાણી, કમલેશ રાજકોટ, અશોક, નટુકાકા, જયદીપ અને હિતેન ખાચરની શોધખોળ
સોના-ચાંદી અને શેરબજારના બે નંબરી વ્યવહારોની માહિતી મળી, લેપટોપ-કોમ્પ્યુટર-મોબાઇલ કબજે
શહેરમાં યાજ્ઞિક રોડ પર માધવ કોમ્પલેકક્ષમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી નામચીન બુકી સહિત ત્રણ શખસોને ઝડપી લેતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રભરમાં સટ્ટામાં મોટું માથું ગણાતાં રાકેશ પોપટને એસએમસીની ટીમે તેની ઓફિસેથી ઝડપી લેતાં રાજકોટનાં બુકીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ દરોડા બાદ તપાસમાં અન્ય 6 શખ્સોના નામ ખુલ્યા છે.
જેની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે શોધખોળ કરી છે. દરોડામાં ઓફીસ માંથી રૂૂ.1.72 લાખની રોકડ, પાંચ મોબાઈલ, લેપટોપ, કાર સહિતની 18.89 લાખનો મુદ્દમાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ યાજ્ઞિક રોડ ઉપર માધવ કોમ્પલેક્ષમાં આંગડીયામાં શેર બઝારના ડબ્બા ટ્રેડીંગ ચાલતુ હોવાની માહીતીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ વી.એન.જાડેજા અને તેમની ટીમે દરોડો પાડયો હતો. આ દરોડામાં
નામચીન બુકી નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર સ્વસ્તા ફ્લેટ નંબર 401માં રહેતા રાકેશ ધીરજ લાલ પોપટ તેમજ તેની ઓફીસમાં કામ કરતા નારાયણ નગરમાં રહેતા મુકેશ મીઠાભાઈ વીરડીયા અને ચુનારાવાડના મહેશ રવજીભાઈ પરમારની ધરપકડ કરી હતી. બુકી રાકેશ પોપટની પુત્રીના તા.9મીના રોજ લગ્ન યોજાનાર છે અને આજથી જ કાર્યક્રમો શરૂ થઇ ગયા છે તે પૂર્વે રાકેશ પોપટની ધરપકડ થતાં ભારે ચર્ચા જાગી છે.
પૂછપરછમાં અન્ય છ શખ્સોના નામ ખુલ્યા હતા જેમાં યુનિવર્સિટી રોડ ઉપર રહેતા મિહિર મનોજભાઈ કલ્યાણી, કમલેશ રાજકોટ, અશોક, નટુકાકા ,જયદીપ અને હિતેન રવિભાઈ ખાચરનું નામ ખુલ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મીહિર મનોજભાઈ ખલ્યાણી સાથે રાકેશ ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ચલાવતો હોવાનું બહાર આવતા પોલીસે મીહિરને ઝડપી લેવા દોડધામ કરી છે.ઓફીસ માંથી રૂૂ.1.72 લાખની રોકડ,પાંચ મોબાઈલ, લેપટોપ સહીતની રૂૂ. 18.89 લાખની મતા કબજે કરી આ ડબ્બા ટ્રેડિંગના નેટવર્કમાં વધુ કેટલાક શખસોની સંડોવણી છે ? તે સહીતની પુછતાછ કરી વિશેષ કાર્યવાહી કરી છે.
છેલ્લા ઘણા સમયથી શહેરભરમાં મોટા ગજાના બુકીઓએ રાજકોટ બહારથી ધંધો ચલાવતા હોય પરંતુ તે વેળાએ જ નામચીન બુકીને એસએમસીએ યાજ્ઞિક રોડ પર તેની ઓફીસમાંથી ડબ્બા ટ્રેડીંગમાં ઝડપી લેતા પોલીસ સામે પણ સવાલો ઉઠયા છે. ચાર વર્ષ પહેલા સામાકાંઠે નામચીન શખસ ભૂપત સાથે વેપારીને ધમકી આપ્યાના બનાવમાં નામ ચર્ચામાં આવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોલીસ સાથે સારો ધરાબો રાખનાર મોટાગજાના બુકી સામે એકપણ કેસ પોલીસ ચોપડે ચડયો ન હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલે કબજે કરેલા લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલમાં અનેક મોટામાથાના સાથેના કરોડોના વ્યવહારની માહિતી મળી હોવાનું જાણવા મળ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય સાથે એસપી મયુર ચાવડાની સુચના હેઠળ પીએસઆઈ વી.એન.જાડેજા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
એક પી.આઈ. સાથે પોલીસમેનને વાંકું પડતા SMCને બાતમી આપી ખેલ પાડ્યો
નામચીન બુકી રાકેશ છેલ્લા કેટલાક સમયથી પોલીસની મહેરબાનીથી જ ભાગીદારીમાં ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ડબ્બા ટ્રેડિંગ નેટવર્ક ચલાવતો નામચીન બુકી રાકેશ પોપટ સામે અગાઉ કેટલાક ગુનાઓ પોલીસ ચોપડે ચડી ચૂકયા હોય પરંતુ પોલીસ મહેરબાન હોય રાકેશ ઉપર સ્થાનિક પોલીસ કોઈ હાથ નાખતી ન હતી. આ દરોડા પાછળ રાજકોટ શહેરના એક સ્થાનિક પોલીસ મથકના કોન્સ્ટેબલની ભૂંડી ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક પી.આઈ સાથે આ પોલીસમેનને વાંકું પડતા આ પોલીસમેને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને માહિતી આપી ખેલ પડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ મામલે જો તપાસમાં પોલીસમેનની ભૂમિકા સામે આવશે તેઓ ભવિષ્યમાં તેની સામે પણ કડક પગલા લેવાઈ શકે છે.
ડીજીએ શહેર પોલીસની પ્રશંસા કર્યાના 24 કલાકમાં જ SMCના દરોડાથી પોલીસની આબરૂૂના ધજાગરા ઉડ્યા
રવિવારે રાજકોટ આવેલા રાજ્યના પોલીસવડાએ શહેર પોલીસની કામગીરીની પ્રશંસા કર્યાના 24 કલાકમાં જ પોલીસ કમિશ્નર કચેરીની નજીકથી જ ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સલાવો ઉઠ્યા છે તેમજ પોલીસની આબરૂૂના ધજાગરા ઉડ્યા છે. પોલીસ કમિશનર કચેરી નજીક જ યાજ્ઞિક રોડ પર માધવ કોમ્પલેક્ષમાં છેલ્લા કેટલાક સમયથી ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ચલાવતો હોય રાકેશ પોપટ ઝડપાયાના પગલે પોલીસ બેડામાં પણ ચર્ચાઓનો દોર શરૂૂ થયો છે. એવી ચર્ચા છે કે રાકેશ પોપટનેં કેટલાક ચોક્કસ પોલીસ અધિકારીઓ સાથે ગાઢ સંબંધો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી નમચીન બુકી સહિતના આરોપીઓને ઝડપી લઇ ડબ્બા ટ્રેડિંગના ચાલતા નેટવર્કનો પદાફાર્શ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલો ઉઠયા છે.
