આજી ડેમ ચોકડીથી માર્કેટયાર્ડ તરફ જતા હાઈવે પર છેલ્લા એક મહિનાથી બનતી ભેદી ઘટનાથી ખાનગી બસના ચાલકો ભયભીત
પોલીસને જાણ કર્યા છતાં એક મહિનાથી પોલીસ કોઈ પગલા લેતી નહીં હોવાનો ચાલકોનો આક્ષેપ
પથ્થમારો કરનારને શોધવા અંતે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરતી પોલીસ
રાજકોટના આજી ડેમ ચોકડી થી માર્કેટયાર્ડ તરફ જતા હાઈવે પર ત્રણ સ્થળે ખાનગી ટ્રાવેલ્સની છ જેટલી બસ પર રાત્રિના પથ્થરમારો થતાં ડ્રાઈવરને ઈજા થઇ હતી. આ ઘટનાથી ચકચાર મચી ગઇ હતી, જોકે પથ્થર કોણે એને શા માટે માર્યા હતા તે બાબતે ડ્રાઇવર સહિતનાઓ અજાણ છે. છેલ્લા એક મહિનાથી આવી ઘટના બનતી હોવાની ફરિયાદ ખાનગી ટ્રાવેલ્સના ચાલકોએ જણાવ્યું હતું. પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂૂ થયો હતો.
મળતી વિગતો મુજબ રાજકોટના કોઠારિયા ચોકડીથી આજી ડેમ ચોકડી અને જૂના માર્કેટિંગ યાર્ડ નજીક હાઉસિંગ બોર્ડ પાછળના હાઇવે પર અલગ અલગ ત્રણ સ્થળે છ જેટલી ખાનગી બસ પર પથ્થમારો થયો હતો. બનાવની જાણ થતાં આજી ડેમ અને થોરાળા પોલીસની ટીમ દોડી ગઈ હતી. પોલીસે ત્રણેય બસના ડ્રાઇવર અને મુસાફરો સહિતનાઓની પૂછપરછ કરી હતી. ત્રણેય બસમાં બસની આગળના ભાગનો કાચ ફોડી નાખવામાં આવ્યો હતો. આ બાબતે ડ્રાઈવરે કહ્યું હતું કે, પથ્થર કોણે માર્યો અને કઈ દિશામાંથી આવ્યો તે ધ્યાનમાં આવ્યું નહોતું.
ખાનગી ટ્રાવેલ્સની ત્રણ બસમાં એક જ પદ્ધતિથી આગળની સાઈડમાં પથ્થરમારો થાય અને તેની કોઈને જાણ ન થાય તે બાબત રહસ્યમય બની હતી. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા.ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવરોએ બસ હાઈવે ઉપર રોકી દીધી હતી અને મુસાફરો પણ ભયભીત બન્યા હતા. છ જેટલી ખાનગી ટ્રાવેલ્સના ચાલકોએ ઘટનાને બાદ બસ રસ્તા ઉપર રોકી દેતા આજી ડેમ ચોકડી થી માર્કેટયાર્ડ તરફ જતા હાઈવે ઉપર ચકકાજામ થઇ ગયા હતા. જેના કારને ટ્રાફિક જામ થઇ ગયો હતો. ખાનગી ટ્રાવેલ્સના ચાલકોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા એક મહિનાથી પથ્થરમારાની ઘટના બને છે આ મામલે પોલીસને જાણ કરવામાં આવ્યા છતાં પોલીસ કોઈ પગલાં લેતી નથી જેના કારણે આ રસ્તેથી બસ લઇને નીકળવામાં મોટો અકસ્માત થવાનો ભય રહે છે. આ ઘટના બાદ આ વિસ્તારના લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા.
લોકોમાં એવી ચર્ચા થતી હતી કે, કેટલાક શખ્સો મોટરસાયકલ ઉપર નીકળા હતા અને હાઈવે પર કોઈનું ધ્યાન પડે નહીં તે રીતે પથ્થરમારો કરી ટિખ્ખળ કરી હતી. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.
