આધોઇ વિસ્તારમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર 15 વર્ષની સગીરાને પટાવી-ફોસલાવી તેનું અપહરણ કર્યા બાદ, છ જેટલા શખ્સોએ ભેગા મળીને તેની પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આરોપીઓએ સગીરાના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સામખિયાળી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા.5/1 ના રોજ કમલેશ પોપટ કોલી, આનંદ ખેગા કોલી, સવા રામજી કોલી, કરણ હરિ કોલી, દિપક રવજી કોલી અને રણજિત ડાહ્યા કોલીએ આરોપીઓએ એકસંપ થઈને ફરિયાદીની 15 વર્ષ અને 5 મહિનાની સગીર દીકરીનું તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું.
આરોપીઓ સગીરાને બળજબરીપૂર્વક ખેતરમાં લઈ ગયા હતા, જ્યાં તમામ નરાધમોએ તેની પર સામુહિક શરીર સંબંધ બાંધી (ગેંગરેપ) ગુનો આચર્યો હતો. આ ઘટના બાદ નરાધમોએ ભોગ બનનાર સગીરાને ધમકાવી હતી કે જો તે આ બાબતે કોઈને જાણ કરશે, તો તેના ભાઈઓને જાનથી મારી નાખવામાં આવશે.ભોગ બનનાર સગીરાના પરિવારે સામાજિક બદનામી અને ડરના કારણે ફરિયાદ કરવામાં થોડો વિલંબ થયો હતો હોવાનું જણાવી, અંતે પરિવારે હિંમત દાખવી સામખિયાળી પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી છે. સામખિયાળી પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો તળે ગુનો નોંધી પીઆઈ વી.કે. ગઢવી આ ગંભીર ગુનાની તપાસ ચલાવી રહ્યા છે.
