વિરપુરમાં જુદી-જુદી સ્કીમો બહાર પાડી રોકાણકારોનાં રૂૂા.7 લાખ ચાઉં કરી જનાર ટોળકી સામે ગઇકાલે વિરપુર પોલીસે ગુનો નોંધી કુલ છ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વિરપુરનાં વિપુલ ગોવિંદભાઇ મેવાડા, કરણ વિનોદભાઇ મેવાડા, જીવણ ઉર્ફે લાલો બટુકભાઇ મેવાડા, ભુપત જાગાભાઇ બાંભવા, જલેવ ઉર્ફે જલો ભગાભાઇ ગમારા અને રાજકોટનાં અનિલ રામજીભાઇ માટીયાનો સમાવેશ થાય છે.
વિરપુરમાં રહેતા અને છુટક મજૂરી કરતાં અમિતભાઇ ગાજીપરા (ઉ.વ.35)એ નોંધાવેલી ફરિયાદનાં આધારે પોલીસે આરોપીઓ સામે આઇપીસી, ધ પ્રાઇઝ ચીટ એન્ડ મની સરક્યુલેશન સ્કીમ અને જીપીઆઇડી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે, આરોપીઓએ 2020ની સાલમાં દર મહિને રૂૂા.1 હજાર એમ ચાલીસ માસ સુધી રૂૂા.40 હજાર ભરવાની જય જલારામ માર્કેટીંગના નામે સ્કીમ બહાર પાડી હતી. પાકતી મુદ્દતે રૂૂા.50 હજાર અગર તો તેટલી કિંમતનું બાઇક આપવાની જાહેરાત કરી હતી. 2022માં શ્રી જલારામ બચત સહકારી મંડળીનાં નામે દૈનિક બચત યોજના બહાર પાડી હતી. જે મુજબ રોજના રૂૂા.100થી લઇ રૂૂા.500 ભરવાના હતા. જેના બદલામાં 6 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી હતી.
2014ની સાલમાં જેકે એમએમ ઓટોના નામે ત્રીજી સ્કીમ બહાર પાડી હતી. જેમાં 40 મહિના સુધી રૂૂા.40 હજાર ભરવાના હતા. પાકતી મુદ્દતે રૂૂા.50 હજાર અગર તો તેટલી કિંમતનું બાઇક આપવાની જાહેરાત કરી હતી. આ તમામ સ્કીમોમાં આસપાસનાં ગામના ઘણાં લોકોએ રોકાણ કર્યું હતું. પરંતુ આરોપીઓએ લોકોને સ્કીમ મુજબ પૈસા આપ્યા ન હતા. એટલું જ નહીં આરોપી અનિલ માટીયાએ પૈસા ન દેવાના બહાના કાઢી દવા પીવાનું નાટક પણ કર્યું હતું. જેને કારણે ડરી જતાં આજ સુધી પૈસા માગ્યા ન હતા. આ સ્કીમોમાં તેના રૂૂા.38 હજાર, રસિકભાઇ ગોહેલનાં રૂૂા.61 હજાર, ક્રિષ્ના વઘાસીયાનાં રૂૂા.50 હજાર, જગદીશ સરવૈયાના રૂૂા.38 હજાર, ભાવનાબેન સરવૈયાનાં પણ રૂૂા.38 હજાર, કિશોરભાઇ ત્રાડાનાં રૂૂા.61 હજાર, કિશનભાઇ મનસુખભાઇનાં રૂૂા.61 હજાર, જયદીપ ગોસાઇનાં પણ રૂૂા.61 હજાર, બાબુભાઇ ચાવડાનાં રૂૂા.50 હજાર અને ભાવેશગીરી ગોસાઇનાં રૂૂા.38 હજાર ગયા હતા.
