કોઠારીયા રોડ પરના આશાપુરાનગર શેરી નં. 9માં રહેતા રણજીતાબેન વિપુલભાઈ ગોહેલ (ઉ.વ.35)ના મકાનમાંથી ખુદ તેની જ બહેનપણી ગોકુલધામ ત્રણ માળિયા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી અને ડ્રેસ વેચવાનું કામ કરતી જાગૃતિ વનરાજભાઈ રાઠોડ (ઉ.વ.26)એ રૂૂા. 1.14 લાખના દાગીનાની ચોરી કરી હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે જાગૃતિની ધરપકડ કરી હતી. લેડીઝ ડ્રેસ વેચવાનું કામ કરતી મહિલાએ ડ્રેસ વેચવાના બહાને ચોરી કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
આ મામલે રણજીતાબેન વિપુલભાઇ ગોહેલ ઘરના કબાટમાં રાખેલા 2 સોનાના દાણા, 2 ઝૂમર બુટી, જેન્ટસ વીટી, લેડીઝ વીંટી, મંગલ સૂત્ર અને તેનું પેંડલ મળી રૂૂ.1.14 લાખના દાગીનાની ચોરી અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી મહિલા આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઈમ બ્રાંચે જાગૃતિને ઝડપી લઈ ભક્તિનગર પોલીસના હવાલે કરી હતી. રણજીતાબેને પોલીસને જણાવ્યું કે તેના પતિ દેવપરામાં ઇલેક્ટ્રિકની દુકાનનું કામ કરેછે. ગઈ તા. 24ના રોજ સાંજે બહેનપણી જાગૃતિ તેના ઘરે બેસવા આવી હતી. દિવાળીના તહેવાર હોવાથી વિવેકાનંદનગર પાસે રંગીલા હનુમાન મંદિર નજીક રહેતા સંબંધી દિલીપ રાઠોડના મકાનમાં બેસવા જવાનું હોવાથી પતિ અને પુત્રી સાથે ત્યાં ગઈ હતી. પાછળથી મકાનને તાળુ મારી ચાવી ફળિયામાં બ્રશના સ્ટેન્ડમાં મૂર્કી હતી.
જ્યારે મુખ્ય દરવાજાને બહારથી ખાલી સ્ટોર મારી હતી. પરત આવીને જોયું તો કબાટમાંથી રૂૂા. 1.14 લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ હતા. બહેનપણી જાગૃતિ ઉપર શંકા હોવાથી તેને શકદાર તરીકે રાખી ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સુચનાથી એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર,સી. એચ. જાદવની ટીમના પીએસઆઈ સી.બી.જાડેજા,એ.એસ.આઇ.સમીરભાઈ શેખ, હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, મનીષભાઈ ચાવડા,જીલુભાઈ ગરચર,અશ્વિનભાઈ પંપાણીયાએ કામગીરી કરી હતી.
