આર્થિક સંકડામણના કારણે ચાંદીકામના કારીગરનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ

રાજકોટના પેલેસ રોડ પર આવેલ કુંવરજીભાઈ ટાવર બિલ્ડીંગમાં રહેતા અને મૂળ બંગાળના વતની એવા 27 વર્ષીય યુવાન જયદેવ યુધિષ્ઠિર બારોલીએ ગઈકાલે રાત્રિના સુમારે આર્થિક ભીંસમાં…

રાજકોટના પેલેસ રોડ પર આવેલ કુંવરજીભાઈ ટાવર બિલ્ડીંગમાં રહેતા અને મૂળ બંગાળના વતની એવા 27 વર્ષીય યુવાન જયદેવ યુધિષ્ઠિર બારોલીએ ગઈકાલે રાત્રિના સુમારે આર્થિક ભીંસમાં આવી જઈ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ જયદેવ જ્યારે પોતાના ઘર પાસે હાજર હતો, ત્યારે અચાનક કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક અસરથી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

આ ઘટના પાછળનું મુખ્ય કારણ ઊંડું આર્થિક દેવું અને ધંધાકીય નિષ્ફળતા હોવાનું સામે આવ્યું છે. જયદેવ વ્યવસાયે ચાંદીકામનો કારીગર છે અને છેલ્લા કેટલાક સમયથી તેના કામકાજમાં મંદી જેવો માહોલ હતો. આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેણે અગાઉ સોના પર રૂ. 1.17 લાખની ગોલ્ડ લોન લીધી હતી. આ ઉપરાંત, તેણે પોતાના જ એક મિત્ર પાસેથી ત્રણ ટકાના ઉંચા વ્યાજે રૂ.2 લાખ હાથઉછીના લીધા હતા.લાખો રૂપિયાના આ કરજ સામે ધંધો બરાબર ન ચાલતા તે સમયસર પૈસાની ચૂકવણી કરી શકતો નહોતો. વધતા જતા વ્યાજના ભાર અને આર્થિક જવાબદારીઓ પૂરી ન કરી શકવાની લાચારીને કારણે યુવાન સતત માનસિક તણાવમાં રહેતો હતો. આ ટેન્શનમાં આવી જઈને અંતે તેણે મધ્યરાત્રિએ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે હોસ્પિટલ પહોંચી પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *