સુરતમાં પાટીદાર પરિવારના લગ્નપ્રસંગમાં છેલ્લી ઘડીએ આરતીનો કાર્યક્રમ રદ
સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના આંતર જ્ઞાતીય લવમેરેજને લઈ સર્જાયેલો વિવાદ હવે તેના કાર્યક્રમો સુધી પહોંચ્યો છે. શહેરના કતારગામ મોટી વેડ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં આરતી સાંગાણીના કાર્યક્રમનો પાટીદાર યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, આયોજકો દ્વારા કાર્યક્રમ પહેલા જ રદ કરી દેવામાં આવ્યો હતો અને આરતીના સ્થાને ગોપી પટેલને લગ્નગીતો ગાવા માટે બુક કરવામાં આવી હતી.
આ સ્થળે આરતી સાંગાણી જે લગ્ન પ્રસંગમાં ગીત ગાવા આવવાની હતી તે પણ પાટીદાર પરિવારનો પ્રસંગ હતો. આરતી સાંગાણીના વિવાદ બાદ પાટીદાર સુરાણી પરિવારે સમાજનો સાથ આપતા આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરી દીધો હતો.
સુરતના મોટી વેડ વિસ્તારમાં આવેલા સિલ્વર ફાર્મ ખાતે પાટીદાર અગ્રણી સુરાણી પરિવારના આંગણે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લગ્ન ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીને આમંત્રિત કરવામાં આવી હતી. જોકે, આરતી સાંગાણીના લવમેરેજને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આરતી સાંગાણી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સિલ્વર ફાર્મની બહાર એકઠા થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદની અસર ગ્રાઉન્ડ ઝીરો પર પણ જોવા મળી હતી. સમગ્ર મામલો બિચકતા અને સમાજની લાગણી દુભાતી જોઈને યજમાન સુરાણી પરિવારે તાત્કાલિક નિર્ણય લીધો હતો અને વિરોધ થાય તે પહેલાં જ આરતી સાંગાણીના કાર્યક્રમને રદ કરી દીધો હતો.
પરિવારે સ્પષ્ટ કર્યું કે, તેઓ હંમેશા સમાજની સાથે છે અને સમાજના હિત માટે તેઓ કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી.
આરતી સાંગાણીના સ્થાને જાણીતી સિંગર ગોપી પટેલને લગ્ન ગીતો ગાવા માટે નક્કી કરવામાં આવી હતી. પરિવારે જણાવ્યું કે, સમાજના વિરોધ અને યુવાનોની લાગણીને માન આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કાર્યક્રમના આયોજક ધર્મેશભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, અમારો 29 તારીખનો ડાયરાનો પ્રોગ્રામ હતો. એમાં આરતીબેન હતા, હિતેશ અંટાળા હતા પણ લોકલાગણીને માન આપીને અમે આરતીબેનનો પ્રોગ્રામ રદ કર્યો છે. એની જગ્યાએ ગોપી પટેલ અને હિતેશ અંટાળા છે. સમાજની સાથે રહેવા જ અમે માંગીએ છીએ અને અમારો પર્સનલ પ્રોગ્રામ છે, પર્સનલ પ્રસંગ છે. એટલે લોકલાગણીને અમે માન આપી અને અમે એનો પ્રોગ્રામ તમામ કેન્સલ કર્યો છે અને બાકી જે કંઈ છે.
સિંગર આરતીએ રડતા રડતા વેદના ઠાલવી
સુરતની પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો મામલો હવે સોશિયલ મીડિયા અને સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આ વિવાદમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે આરતીએ તેના પિતાની અપીલને ફગાવીને સમાજની વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા. સવારે આરતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને બપોર બાદ રડતા રડતા વેદના ઠાલવી હતી. આ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે, દીકરી મરી-મરીને જીવે એ પોસાય છે, હું આજે કોઈ પ્રેશરમાં આવીને કદાચ આપઘાત કરી લઉં તો શું આ સમાજ જવાબદારી લેશે?
