યુવાનના મોતથી બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું
શાપર વેરાવળમાં રહેતા અને કંપનીમાં ગાડીઓ ભાડે આપતા કોન્ટ્રાક્ટરે આર્થિક ભીંસથી કંટાળી રીબડા નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં ઉંવેલી ગ્રામ પંચાયત પાસે બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા અનિલભાઈ માનસંગભાઈ કોંગતિયા નામના 28 વર્ષના યુવાને ગઈકાલે રીબડા નજીક શાપર વેરાવળ તરફથી આવતી ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે મૃતક યુવકના વાલીવારસની શોધખોળ કરી મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. યુવાનના મોતના સમાચાર મળતા જ પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક અનિલભાઈ કોગતીયા બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે અનિલભાઈ કોગતીયાએ કંપનીમાં પોતાની ત્રણ ગાડી ભાડે મૂકેલી છે. અનિલભાઈ કોગતીયાએ આર્થીકભીંસથી કંટાળી ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. આર.આર. સોલંકી સહિતના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.
