શહેર સોનીબજાર વિસ્તારમાં બાળમજૂરીના દૂષણ સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે શ્રમ વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન સોનીબજારમાં આવેલી દુકાનોમાંથી નાની વયના બાળશ્રમિકો પાસે ગેરકાયદેસર રીતે કામ કરાવતા વેપારીઓ અને ઠેકેદાર સામે એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી સાત જેટલા બાળશ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે.
રાજકોટમાં અપહરણ થયેલા બાળકોની શોધખોળ અને બાળમજૂરી નાબૂદ કરવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, સોનીબજાર વિસ્તારમાં કેટલીક દુકાનોમાં સગીર વયના બાળકો પાસે ગેરકાયદેસર રીતે મજૂરી કરાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પી.આઈ કે. કે. ગોહિલ તથા શ્રમ અધિકારી ડો. ડી. આર. કાનાણીની આગેવાની હેઠળ એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરીને સોનીબજાર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
સોનીબજારના સુવર્ણદીપ કોમ્પ્લેક્ષ તથા બોઘાની શેરીમાં આવેલા ગોલ્ડ હાઉસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વેપારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા નાની ઉંમરના બાળકોને પોતાના કબ્જામાં રાખીને તેમની પાસે શ્રમ કરાવવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને કોઠારિયા નાકા પાસે આવેલ સુવર્ણદીપ કોમ્પ્લેક્ષમાં દુકાન નં. 215માં દિવ્યેશ મુકુંદરાય ફિચડિયા તેમજ રામનાથ પરામાં રહેતા ઠેકેદાર ઝાકીર શેખ અને બોઘાની શેરી ગોલ્ડ હાઉસમાં દુકાન નં.
304માં બ્રિજેશભાઈ જગદીશભાઈ રાણપરાને ત્યાંથી સાત જેટલા બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બે બાળ મજુર 14 વર્ષ કરતા નાની ઉમરના છે જે મામલે બે સોની વેપારી અને ઠેકેદાર સામે ’ચાઇલ્ડ લેબર પ્રોહીબિશન એન્ડ રેગ્યુલેશન એકટ-1986’ અને ’ગુજરાત નિયમો-2017’ ની કલમ-3 તથા 14 હેઠળ એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ટીમે આરોપીઓના કબ્જામાંથી બાળશ્રમિકોને મુક્ત કરાવી, તેઓના પુનર્વસન અને આગળની કાયદેસરની પ્રક્રિયા માટે રાજકોટ સ્થિત બાળ સંરક્ષણ ગૃહ ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પી.આઈ કે. કે. ગોહિલ સાથે આર. કે. ગોહીલ, એ.એસ.આઈ. અજયકુમાર શુક્લા, સલીમભાઇ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીગ્નેશભાઈ મારુ, હરસુખભાઇ વાછાણી, હસમુખભાઇ બાલધા, મહેશ ગણેશપ્રસાદ, જયોતીબેન બાબરીયા તથા ડ્રાઇવર સૂર્યકાંતભાઈ સહિતની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે કામગીરી કરી હતી.
