મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં તેમણે રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ, બચાવ-રાહત કામગીરી તેમજ વીજળી, રસ્તાઓ અને પુરવઠા જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના પુન:સ્થાપન અંગે જે-તે વિભાગના સચિવો પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી હતી અને જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં હાલ 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે. તેના કારણે આગામી 3-4 દિવસ સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાં વિવિધ સ્થળોએ રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ આપવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં વરસેલા વરસાદની જાણકારી આપતા રાહત કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય સરેરાશ વરસાદ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ અને નવસારી જિલ્લામાં તો છેલ્લા 30 વર્ષના મોસમના સરેરાશ વરસાદ કરતા આ વર્ષે અત્યાર સુધીમાં 90.98 ટકા અને 95.13 ટકા સરેરાશ વરસાદ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ આશરે 24 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
રાજ્ય સરકારે નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપ્યું છે અને અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 40,500 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તથા 6367 લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સમક્ષ વધુ વિગતો આપતાં આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, બચાવ કામગીરી પૂર્ણ થવાની સાથે જ હવે રાહત અને પુન:સ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો સહિતના વિસ્તારોમાં અસરગ્રસ્તોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે કુલ રૂૂ. 40 કરોડની ફાળવણી કરવામાં આવી છે, વલસાડમાં સહાય ચૂકવવાની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે અને નવસારીમાં પાણી ઓસરતાં જ આ કામગીરી હાથ ધરવામાં આવશે.
વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ પૈકી 365 રસ્તાઓ પુર્વવત કરી દેવામાં આવ્યા છે. રસ્તાઓની મરામત માટે 225 જેસીબી, 1500થી વધુ મશીનરી અને 1500 કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં રસ્તાના મરામતની કામગીરીના મોનિટરિંગ અને માર્ગદર્શન માટે 1 ચીફ એન્જિનિયર અને 1 ઓ.એસ.ડી.ને ખાસ ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત ડિઝાઇન એક્સપર્ટ્સની 6 ટીમ પણ કાર્યરત છે.
ભારે વરસાદને કારણે સબસ્ટેશનોમાં કે જે-તે વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અથવા ક્ષતિના કારણે ખોરવાયેલો વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા ઊર્જા વિભાગની 350 ટીમો અને 1000 વધુ વીજ કર્મીઓ સેવારત છે. મોટા ભાગના ગામોમાં શુક્રવારે મોડી રાત સુધીમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે તેમ ઉર્જા અગ્ર સચિવએ બેઠકમાં જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. મતી જયંતી રવિ, સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર સહિત સંબંધિત વિભાગોના અગ્ર સચિવઓ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સચિવ ડો. અજયકુમાર તથા એન.ડી.આર.એફ. અને આર્મીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
