સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરતી પોલીસની એક મોટી બેદરકારી સામે આવી છે. ચોટીલા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન પકડાયેલા એક 16 વર્ષના સગીર બાળકને પોલીસે કાગળ પર પુખ્ત વયનો (18 વર્ષથી વધુ) દર્શાવી સબજેલના હવાલે કરી દીધો છે.
મળતી માહિતી મુજબ, જખઈના દરોડામાં એક સગીર બાળકની અટકાયત કરવામાં આવી હતી. નિયમ મુજબ સગીર આરોપીને રિમાન્ડ હોમ અથવા જ્યુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (Juvenile Justice Board) સમક્ષ રજૂ કરવાનો હોય છે. પરંતુ, પોલીસે આ બાળકની ઉંમર 18 વર્ષ બતાવી તેને ’મેજર’ આરોપી તરીકે રજૂ કર્યો હતો. પરિણામે, છેલ્લા એક મહિનાથી આ 16 વર્ષનો કિશોર સુરેન્દ્રનગરની સબજેલમાં ખૂંખાર અને ગંભીર ગુનાના આરોપીઓ વચ્ચે બંધ છે.
આ અન્યાય સામે સગીરના પરિવારે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટમાં બાળકના જન્મનું પ્રમાણપત્ર, આધારકાર્ડ અને ઉંમર સાબિત કરતા તમામ કાયદેસરના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, જે મુજબ તેની ઉંમર માત્ર 16 વર્ષ છે. પોલીસની આ ભૂલ અથવા બેદરકારીને કારણે એક સગીરનું ભવિષ્ય અને તેની માનસિક સ્થિતિ જોખમમાં મુકાઈ છે.
સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા અદાલતે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. કોર્ટે પોલીસની આ કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવ્યા છે અને સમગ્ર મામલે તપાસ કરવા માટે ચોટીલા અને લીંબડી ઉઢજઙ ને આદેશ આપ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે અને સગીર બાળકને ક્યારે ન્યાય મળે છે.
