શહેરના નવા થોરાળામાં રહેતો યુવાન સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે લઈ ગયા બાદ તે કારનો અકસ્માત સર્જાતા સામાવાળાએ નુકસાનીના પૈસા માંગતાં યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, નવા થોરાળામાં અવધ પાર્ક શેરી નં.3માં રહેતાં હેમાંગ ગીરીશભાઈ રાઠોડ (ઉ.21) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ફિનાઈલ પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં હેમાંગ પાણીની મજુરી કરે છે. તે ભાવેશ બથવારની કાર સેલ્ફ ડ્રાઈવમાં ભાડે લઈ ગયો હતો. જે કારનો કાલાવડ પાસે થાંભલા સાથે અકસ્માત સર્જાયો હતો. જેથી ભાવેશ બથવારે કારમાં થયેલી નુકસાનીના રૂપિયા 70 હજાર માંગતાં હેમાંગે વિમો પકાવી લેવાનું કહ્યું હતું. જો કે ભાવેશ રૂપિયા 70 હજાર માંગતો હોય જેથી તેણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
