મહારાષ્ટ્રની વાઇન શોપમાંથી જેતપુરમાં દારૂ ઘુસાડવાનું કૌભાંડ

રાજકોટ જીલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હાથ ધરવામાં આવેલા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જેતપુર સીટી પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના હાજીદાઉદ હોસ્પિટલ વિસ્તારમાંથી…

રાજકોટ જીલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હાથ ધરવામાં આવેલા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જેતપુર સીટી પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના હાજીદાઉદ હોસ્પિટલ વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂૂની 47 બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય પાંચ સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.તપાસમાં મહારાષ્ટ્રની વાઈન શોપ માંથી દારૂૂ લાવી જેતપુરમાં ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત શનિવારની મોડી રાત્રે જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ એ.ડી. પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ અમીતભાઈ રસિકભાઈ સિધ્ધપરા સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન હાજીદાઉદ હોસ્પિટલના ગ્રાઉન્ડ પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થતા અશ્વિનભાઈ ઉમેદભાઈ સોનરાત નામના શખ્સને અટકાવી તેની પાસે રહેલા પ્લાસ્ટિકના થેલાની તપાસ કરવામાં આવી હતી.

તલાશી દરમિયાન તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 47 બોટલો મળી આવી હતી. પોલીસે રૂૂ. 12,800 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અશ્વિનની ધરપકડ કરી પુછપરછ કરતા જાણવા મળ્યું કે, આ દારૂૂ મહારાષ્ટ્રની અલગ અલગ વાઈન શોપથી ટ્રક મારફતે આવતો હતો. ઝડપાયેલ આરોપી અશ્વિન સોનરાત વ્યવસાયે ટ્રક ડ્રાઇવિંગ કરે છે.

તેણે કબૂલાત કરી હતી કે તે સાપર વેરાવળથી મશીનરી ભરીને મહારાષ્ટ્ર ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે અલગ-અલગ વાઇન શોપમાંથી આ દારૂૂનો જથ્થો છુપાવીને લાવ્યો હતો. ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં આર્થિક લાભ મેળવવા માટે તેણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ આદરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ દારૂૂનો જથ્થો જેતપુરના પાંચ શખ્સોને આપવાનો હતો જેમાં મયુરભાઈ પંડ્યા (જેતપુર), હિરેનભાઈ આહિર (જેતપુર), લાલાભાઈ જોષી (જેતપુર), મેહુલ જોષી (જેતપુર) અને ભરતભાઈ પટેલ (ચરખડી ગામ)નું નામ ખુલ્યું છે.પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે.

જેતપુર સીટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 116-બી અને 81 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસની આ સતર્કતાને કારણે મહારાષ્ટ્રથી આવતો ગેરકાયદેસર દારૂૂનો જથ્થો સ્થાનિક બજારમાં પહોંચે તે પહેલા જ ઝડપી પાડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *