ગુજરાતમાં આવનારી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય હલચલ વચ્ચે વડોદરા જિલ્લાના સાવલી મતવિસ્તારના ધારાસભ્ય કેતન ઈનામદારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જાહેર કર્યું છે કે તેઓ વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી લડશે નહીં અને ભવિષ્યમાં પણ જનતા વચ્ચે રહીને કામ કરતા રહેશે. તેમના આ નિવેદનને કારણે રાજકીય વર્તુળોમાં તેમજ સાવલી મતવિસ્તારના લોકોમાં ચર્ચા શરૂૂ થઈ ગઈ છે. કેતન ઈનામદારે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કેમ લીધો તેની સ્પષ્ટ માહિતી હજુ સુધી સામે આવી નથી. જોકે છેલ્લા કેટલાક સમયથી તેઓ વિકાસના કામોને લઈને નારાજ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમણે અગાઉ પણ જાહેરમાં જણાવ્યું હતું કે કેટલાક વિકાસ કાર્યો યોગ્ય રીતે આગળ વધી રહ્યા નથી અને કેટલાક અધિકારીઓ ધારાસભ્યના સૂચનોને ગંભીરતાથી લેતા નથી.
આ મુદ્દે તેઓ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હોવાની ચર્ચા પણ થઈ હતી. ત્યારબાદ હવે તેમની તરફથી 2027ની ચૂંટણી ન લડવાની જાહેરાત થતા રાજકીય રીતે આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સાવલી મતવિસ્તારમાં કેતન ઈનામદારનું રાજકીય પ્રભાવ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેઓ હાલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે સાવલીનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે જીત મેળવી ફરી એકવાર ધારાસભ્ય તરીકે વિજય મેળવ્યો હતો. તેમની રાજકીય સફર પણ થોડી અલગ પ્રકારની રહી છે, જેના કારણે તેઓ રાજ્યના રાજકારણમાં વિશિષ્ટ ઓળખ ધરાવે છે. કેતન ઈનામદારે પોતાના રાજકીય કારકિર્દીની શરૂૂઆત વર્ષ 2010માં વડોદરા જિલ્લા પંચાયતથી કરી હતી.
તે સમયે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને જીત્યા હતા અને જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ સાવલી મતવિસ્તારથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા અને વિજય મેળવ્યો હતો. તે ચૂંટણીમાં તેઓ સમગ્ર રાજ્યમાં જીત મેળવનાર એકમાત્ર અપક્ષ ઉમેદવાર હતા. તેમણે તે વખતે કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ રાયસિંહ ચૌહાણને હરાવ્યા હતા અને નોંધપાત્ર મતોથી જીત મેળવી હતી. પછીના સમયગાળામાં તેમણે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો અને ભાજપ સાથે જોડાયા. ત્યારબાદ તેઓ ભાજપના નેતા તરીકે સાવલી વિસ્તારમાં રાજકીય રીતે સક્રિય રહ્યા છે. હાલમાં પણ તેઓ સાવલી મતવિસ્તારમાં વિકાસના મુદ્દાઓને લઈને સક્રિય જોવા મળે છે.
