ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રથમવાર જીત્યો બ્રોન્ઝ મેડલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રિકેટ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઓલ ઇન્ડિયામાં ત્રીજો ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ક્રિકેટ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઓલ ઇન્ડિયામાં ત્રીજો ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. યુનિવર્સિટી માટે આ સિદ્ધિ પ્રથમવાર પ્રાપ્ત થતા એક નવો ઇતિહાસ રચાયો છે.

સ્પર્ધાના અંતિમ દિવસે ટીમે ગયા વર્ષની ઓલ ઇન્ડિયા ચેમ્પિયન કોટા યુનિવર્સિટી સામે મહત્વપૂર્ણ મુકાબલો રમ્યો હતો. પ્રથમ ઇનિંગમાં કોટા યુનિવર્સિટીએ 151 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરીને 20મી ઓવરમાં 152 રનનો ટાર્ગેટ પૂર્ણ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો.

આ મેચમાં દીક્ષિત વેકરીયાએ ઉત્તમ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે 51 બોલમાં 71 રનની શાનદાર ઇનિંગ રમી ટીમને જીત સુધી પહોંચાડીને મેન ઓફ ધ મેચ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.ઓલ ઇન્ડિયામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી, રજીસ્ટ્રાર ડો. મનીષ ધામેચા, શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા તથા યુનિવર્સિટીના તમામ અધિકારીઓ, સ્ટાફ અને ખેલાડીઓએ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ડો. જયદીપસિંહ ચૌહાણ, ડો. એચ.આર. ભાલીયા, ડો. ભાવેશ રાબા, ટીમના કોચ અને મેનેજર આસિફભાઈ તથા સંજયભાઈ સહિત તમામે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી અને ભવિષ્યમાં વધુ ઉત્તમ પ્રદર્શન માટે પ્રેરણા આપી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ ઐતિહાસિક સિદ્ધિ સમગ્ર યુનિવર્સિટી અને રાજ્ય માટે ગૌરવની બાબત બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *