જૂનાગઢ, અમરેલી, દીવ, પોરબંદર, સોમનાથના મુસાફરોના બસપોર્ટના ધક્કા બંધ થશે: વડી કચેરીમાં દરખાસ્ત કરાઈ
ગોંડલ રોડ પર આવેલ એસટી વર્કશોપની જૂની ઇમારત તોડી અને ત્યા નવુ સેટેલાઇટ બસ સ્ટેશન નિર્માણ કરવાની દરખાસ્ત હેડ કવાર્ટરમાં મોકલી દેવામાં આવી છે. આ સેટેલાઇટ બસ સ્ટેશન નિર્માણ થતા ત્યાથી ગોંડલ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, દીવ તરફની બસોનું સંચાલન કરવામાં આવશે જેથી મુસાફરોને સેન્ટ્રલ બસપોર્ટ સુધી ધક્કો ખાવો પડે નહીં.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે, ગોંડલ રોડ ઉપર એસટી વર્કશોપની જગ્યા ખાતે નવી વહીવટી કચેરીનું નિર્માણ થઈ ચૂકયું છે. હવે જૂની વિભાગીય કચેરીને તોડી પાડવા માટેની કામગીરી ચાલી રહી છે.
આ જગ્યાએ ગોંડલ રોડ એસ.ટી. બસ સ્ટેશન બનાવવા માટેની દરખાસ્ત રાજ્યના માર્ગ અને પરિવહન વિભાગને કરી દેવામાં આવી છે, જે ટૂંક સમયમાં મંજૂર થઈને આવી જશે.
સૌરાષ્ટ્રના મુસાફરોને ફાયદો થશે ગોંડલ રોડ એસટી બસ સ્ટેશન બનતા જ અહીંથી રાજકોટથી ગોંડલ, વિરપુર, જેતપુર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, પોરબંદર તરફની બસ મુસાફરોને મળી રહેશે. સૌરાષ્ટ્રના મુખ્ય ભાગોમાં જતા મુસાફરોને એસટી બસની મુસાફરીનો લાભ અહીંથી જ મળી રહેશે.
મુસાફરોની જે પ્રાથમિક સુવિધા છે એટલે કે ઓનલાઇન રિઝર્વેશન, ઇન્કવાયરી વિન્ડો, વિદ્યાર્થી પાસ, મુસાફર પાસ, પીવાના પાણી, શૌચાલય સહિતની સુવિધા આવરી લેવામાં આવી છે. હાલ રાજકોટથી ગોંડલ, જુનાગઢ, અમરેલી અને પોરબંદર સહિતનાં રૂૂટ પરની 240થી 260 ટ્રીપોનુ સંચાલક થાય છે. ગોંડલ રોડ અને આસપાસ રહેતા તમામ મુસાફરો આ બસ સ્ટેશનનો લાભ લઇ શકશે.
ભાવનગર, અમરેલી, જસદણ તરફથી આવતી એસ.ટી. બસ માટે ભાવનગર રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે, તેવી જ રીતે દીવ, ઉના, સોમનાથ-વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, જેતપુર, ગોંડલ તરફથી આવતી એસ.ટી. બસ માટે ગોંડલ રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન તૈયાર કરવાનું આયોજન કરાયું છે. આ સેટેલાઇટ બસ સ્ટેશન બન્યા બાદ તેમાં દરરોજની 240થી 260 જેટલી બસનો સ્ટોપ અપાશે. હાલમાં વડી કચેરી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. આ સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવા માટે અંદાજે રૂૂ.5 કરોડનો ખર્ચ થશે. ગોંડલ રોડ પરના સેટેલાઈટ બસ સ્ટેન્ડ બન્યા બાદ બસપોર્ટનો ટ્રાફિક ઘટશે અને મુસાફરોને વધુ સુવિધા મળશે.
