ઉપલેટાના ખારચીયા (શહીદ) ગામના સરપંચ અને તલાટી મંત્રીને ગેરરીતિ કર્યાનો આક્ષેપ કરી એસીબીમાં ફરિયાદ કરવાનો ડર બતાવી સમાધાન માટે રૂૂ.2 લાખની ખંડણી માંગનાર ઉપલેટાના આરટીઆઈ એકિટવીસ્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સરકારી કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓને ડરાવી-ધમકાવી નાણાં ખંખેરવાનું વધુ એક પ્રકરણ સામે આવ્યું છે. ઉપલેટાના ખારચીયા (શહીદ) ગામના સરપંચ અને તલાટી મંત્રીને એસીબી ની ખોટી ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી, રૂૂ. 2 લાખની ખંડણી માંગનાર આશિષ લાલકીયા નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
મળતી વિગતો મુજબ, ખારચીયા (શહીદ) ગામના સરપંચ બોદુભાઈ દોયુભાઈ મથુપૌત્રાએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી આશિષ લાલકીયા આશરે છ મહિના પહેલા ગામમાં દબાણના પ્રશ્નોને લઈ ફોટોગ્રાફી કરવા આવ્યો હતો. ત્યારબાદ તેણે ગ્રામ પંચાયતમાં છઝઈં (માહિતી અધિકાર) હેઠળ રેકોર્ડની માંગણી કરી હતી.
ગત તા. 14/10/2025ના રોજ જ્યારે આશિષ રેકોર્ડ તપાસવા પંચાયત કચેરીએ આવ્યો, ત્યારે તેણે તલાટી મંત્રી દ્રષ્ટિબેન માકડીયાની હાજરીમાં સરપંચ સાથે ગેરવર્તન કર્યું હતું. આક્ષેપ મુજબ, આશિષે સરપંચને પંચાયતની બહાર નીકળી જવા કહી અપશબ્દો બોલ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આશિષે ટીડીઓ અને તાલુકા પંચાયતમાં અરજીઓ કરી માનસિક ત્રાસ આપવાનું શરૂૂ કર્યું હતું. આ મામલે સમાધાન કરવા માટે આશિષે સરપંચને ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે બોલાવ્યા હતા.
સરપંચ બોદુભાઈ અને પત્રકાર અશોકભાઈ સુવા જ્યારે રાત્રિના સમયે સર્કિટ હાઉસ પહોંચ્યા, ત્યારે આશિષ લાલકીયાએ અંધારામાં લઈ જઈને ધમકી આપતા કહ્યું કે, “જો તમારે આ મેટર પૂરી કરવી હોય તો રૂૂ. 2,00,000આપવા પડશે. જો પૈસા નહીં આપો તો હું તમને અને તલાટી મંત્રીને સસ્પેન્ડ કરાવી દઈશ.
એસીબીમાં ખોટી ફરિયાદ કરી જેલમાં ધકેલી દઈશ અને જામીન મળશે તો જાનથી મારી નાખીશ.” સરપંચે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, આશિષ મીડિયા સાથે જોડાયેલો હોવાથી અને તેના મળતિયાઓ મારફતે બદનામ કરવાની તેમજ ખોટા કેસમાં ફસાવવાની સતત ધમકીઓ આપતો હોવાથી તેઓ ડરી ગયા હતા. જોકે, અંતે હિંમત કરી તેમણે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. ઉપલેટા પોલીસે સરપંચની ફરિયાદના આધારે આશિષ લાલકીયા વિરુદ્ધ ખંડણી માંગવા અને ધમકાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂૂ કરી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે ચાલતા આવા “તોડકાંડ”થી પંથકના સરપંચો અને અધિકારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
