સંજય ગઢવી AMCની લડી શકશે ચૂંટણી: હાઇકોર્ટનો આદેશ

  શહેરમાં આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીને લઈને હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટએ સંજયભાઈ ગઢવીને મોટી રાહત આપતા ખોખરા વોર્ડ નંબર 44 ની મતદાર…

 

શહેરમાં આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીને લઈને હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટએ સંજયભાઈ ગઢવીને મોટી રાહત આપતા ખોખરા વોર્ડ નંબર 44 ની મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી તેઓને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાનો માર્ગ મોકળો થયો છે.
માહિતી મુજબ, સંજય ગઢવીએ સ્ટેટ ઇલેક્શન કમિશન સહિત સંબંધિત અધિકારીઓ સામે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં દાદ માંગવામાં આવી હતી કે તેઓ અગાઉ મણિનગર વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ હતા, પરંતુ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન તેમનું નામ બહાર થઈ ગયું હતું. ત્યારબાદ 12 માર્ચ, 2026 ના રોજ તેમણે ફરીથી નામ ઉમેરવા માટે અરજી કરી હતી, જે સ્વીકારવામાં આવી હતી અને તેના અંગેનો SMS પણ તેમને મળ્યો હતો.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે સંજય ગઢવી પાસે EPIC કાર્ડ છે અને તેઓ મણિનગર મતવિસ્તારના માન્ય મતદાતા છે. બીજી તરફ, સ્ટેટ ઇલેક્શન કમિશને દલીલ કરી હતી કે 17 ફેબ્રુઆરી, 2026 ની સુધારેલી યાદીમાં નામ ન હોવાથી 23 માર્ચની પ્રાથમિક યાદીમાં સમાવેશ શક્ય નહોતો. વધુમાં, 6 એપ્રિલે તેમની અરજી નકારી કાઢવામાં આવી હતી અને નિયમો મુજબ નામાંકન તારીખના 10 દિવસ પહેલા નામ ઉમેરવું શક્ય નથી.

જો કે, હાઇકોર્ટએ નોંધ્યું કે પ્રાથમિક યાદી બહાર પાડવામાં આવે તે પહેલાં જ અરજદારનું નામ વિધાનસભાની યાદીમાં સામેલ થઈ ગયું હતું. તેથી, જો વ્યક્તિનું નામ વિધાનસભા મતદાર યાદીમાં હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદીમાં પણ તેને સમાવવાનો અધિકાર બને છે. કોર્ટએ આ આધારે સંજય ગઢવીનું નામ ખોખરા વોર્ડ 44 ની મતદાર યાદીમાં ઉમેરવા આદેશ આપ્યો છે અને તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપી છે. નોંધનીય છે કે મળતી માહિતી મુજબ તેઓ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવાના છે. 11 એપ્રિલ નામાંકન માટેનો છેલ્લો દિવસ હોવાથી આ નિર્ણય રાજકીય રીતે મહત્વનો માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *