પુલ તૈયાર થાય તે પહેલા ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના હોવાથી લોકાર્પણ પાછુ ઠેલાશે
જામનગર રોડ પર સાંઢીયા પુલનું કામ પૂર્ણ થવામાં છે તંત્ર આગામી 10 એપ્રિલ સુધીમાં પુલ તૈયાર થઈ જશે તેમ જણાવ્યું છે અને લોકાર્પણ માટેની તૈયારીઓ આરંભવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી અન્વયે પુલનું લોકાર્પણ થશે કે કેમ ? તેવો પ્રશ્ર્ન ઉભો થયો છે. સુત્રોના જણાવ્યા મુજબ સંભવત તા.26 માર્ચ બાદ ચૂંટણીની જાહેર થઈ શકે છે. જેના લીધે આચાર સંહિતા લાગુ થતાં લોકો માટે પ્રલોભન ઉભા થતાં હોય તેવા કોઈ કામ થઈ શકતા નથી આથી સાંઢીયા પુલ પંપ આ વ્યાખ્યામાં આવતો હોય જો પુલ તૈયાર થાય તે પહેલા ચૂંટણી જાહેરાત થઈ જશે તો સાંઢીયા પુલનું લોકાર્પણ અઢીથી ત્રણ મહિના પાછળ ઠેલાવવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
જામનગર રોડથી રાજકોટ શહેરને જોડતાં જુના સાંઢીયા પુલના સ્થાને ફોર લેન નવા બ્રીજનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું. ગત સપ્તાહે રેલવે વિભાગે ગડર લગાવવાની મંજુરી આપી સમય ફાળવ્યો હતો. જેના લીધે હાલ ગડર ચડાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ બાકી રહેતાં પરચુરણ કામને પણ એક સપ્તાહમાં આટોપી લેવાશે અને એપ્રીલ માસના બીજા અઠવાડિયામાં લોકાર્પણ થઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ આજે આ મુદ્દે તપાસ કરતાં માલુમ પડેલ કે મનપામાં ગઈકાલથી વહીવટદાર શાસન લાગુ થયું છે અને ચૂંટણી પંચ દ્વારા ગમે તે ઘડીએ મનપાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. સંભવત 26 થી 1 એપ્રિલ વચ્ચે ચૂંટણી જાહેર થાય તો તુરંત આચાર સંહિતા લાગુ પડી શકે છે.
આથી આચાર સંહિતામાં મહાનગરપાલિકાના એક પણ નવા કામો થઈ શકતા નથી તેવી જ રીતે લોકોને સીધી રીતે સ્પર્શતા હોય અને પ્રલોભનની વ્યાખ્યામાં આવતાં હોય તેવા કામો ઉપર બ્રેક લાગશે જેના લીધે સાંઢીયા પુલનું લોકાર્પણ પણ એક રીતે પ્રલોભનની વ્યાખ્યામાં આવે છે જેના લીધે સાંઢીયા પુલનું લોકાર્પણ થઈ શકે નહીં અને ચૂંટણી તેમજ મતગણતરી અને નવી બોડીની રચના થાય ત્યાં સુધી આ કામ ન થતાં સાંઢીયા પુલનું લોકાર્પણ અઢીથી ત્રણ મહિના પાછળ ઠેલાવવાની સંભાવના જોવાઈ રહી છે. છતાં આગામી તા.26 થી 1 એપ્રિલ દરમિયાન થનાર ચૂંટણી પંચની ગતિવિધીઓ ઉપર પુલના લોકાર્પણનું ભવિષ્ય રહેલું છે.
