સાંઢિયા પુલનું અંતે લોકાર્પણ, હજારો વાહનચાલકોને રાહત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન, ખુલ્લી જીપમાં લોકોનું જીલ્યું અભિવાદન, નવા શાસકોનું પ્રથમ સોપાન, જૂના અમુક ગેરહાજર રાજકોટ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં આજે વધુ એક…

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન, ખુલ્લી જીપમાં લોકોનું જીલ્યું અભિવાદન, નવા શાસકોનું પ્રથમ સોપાન, જૂના અમુક ગેરહાજર

રાજકોટ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં આજે વધુ એક પ્રકરણ ઉમેરાયું છે. જામનગર રોડ પર લાંબા સમયથી પ્રતીક્ષિત અને અતિ મહત્વના ગણાતા નવા ફોર લેન રેલવે ફલાયઓવર બ્રિજ (સાંઢિયા પુલ)નું લોકાર્પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. રૂૂ. 74.32 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલા આ આધુનિક બ્રિજને ખુલ્લો મુકવામાં આવતા જ આજથી વાહનવ્યવહાર ધમધમતો થયો છે, જેનાથી હજારો વાહનચાલકોને મોટી રાહત મળી છે. કોર્પોરેશનના નવા શાસકોએ શહેરીજનોને આ પ્રથમ ભેટ આપી છે.

આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે રાજકોટ શહેર પોલીસના જવાનો દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ’ગાર્ડ ઓફ ઓનર’ આપી સલામી આપવામાં આવી હતી. તકતી અનાવરણ કરી બ્રિજને સત્તાવાર રીતે જનતાને સમર્પિત કર્યા બાદ, નાયબ મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોએ ખુલ્લી જીપમાં બ્રિજ પરથી પસાર થઈને સમગ્ર નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ઉપસ્થિત જનમેદનીનું તેમણે અભિવાદન ઝીલ્યું હતું, અને મનપાના કર્મચારીઓ દ્વારા આકાશે રંગબેરંગી ફુગ્ગા છોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ ગરિમાપૂર્ણ પ્રસંગે સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલા અને રામભાઇ મોકરિયા, ધારાસભ્યઓ ઉદય કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા સહિતના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ અને પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જો કે કોર્પોરેશનના પૂર્વ શાસકો પૈકી જયમિન ઠાકર સહિતના અમુક નેતાઓ ગેરહાજર જોવા મળ્યા હતાં. શહેરના સૌથી જૂના રેલવે ઓવરબ્રિજ તરીકે જાણીતા જૂના 2-લેન બ્રિજનું નિર્માણ વર્ષ 1977-78ના સમયગાળામાં થયું હતું. સમય જતાં શહેરીકરણ અને વધતા ટ્રાફિકના દબાણને કારણે આ પુલ નાનો પડતો હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ રૂૂપે રાજકોટ મહાનગરપાલિકાએ અત્યાધુનિક 4-લેન રેલવે ફલાયઓવર બ્રિજનું નિર્માણ કર્યું છે.

નવનિર્મિત બ્રિજ આધુનિક ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. બ્રીજની કુલ લંબાઈ 678 મીટર કુલ પહોળાઈ 16.40 મીટર કેરેજ-વે બંને બાજુ 7.50 મીટર પહોળાઈના સુવિધાજનક માર્ગો ઊંચાઈ રેલવે ટ્રેકથી 6.25 મીટરની ક્લીયર ઊંચાઈ નિર્માણ કાર્ય 15 માર્ચ, 2024ના રોજ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી.બાંધકામ સામગ્રી 120 નંગ પી.એસ.સી. ગર્ડર, 7 સ્ટીલ ગર્ડર, 22 પિઅર અને 29 સ્ટીલ કોલમનો ઉપયોગ
રેલવે ટ્રેક ઉપર ટ્રાફિકને અવરોધ ન પડે તે માટે ’સ્ટીલ ગર્ડર લોન્ચિંગ ટેકનોલોજી’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી માત્ર 2-3 કલાકના બ્લોકમાં જ મહત્વની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ હતી. ભવિષ્યમાં રેલવે ટ્રેકનું વિસ્તરણ થાય તો પણ કોઈ મુશ્કેલી ન નડે તેવી રીતે આ બ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

આ બ્રિજ પર ડેકોરેટિવ ઇલ્યુમિનેશન અને આધુનિક લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જે રાત્રિના સમયે પણ વાહનચાલકો માટે સલામતી અને સૌંદર્ય પ્રદાન કરશે. દરરોજ અંદાજે 50,000થી વધુ વાહનચાલકોને આ પ્રોજેક્ટથી સીધો લાભ મળશે. આ પ્રોજેક્ટ રાજકોટના આધુનિક પરિવહન માળખાને વધુ સુદ્રઢ બનાવશે અને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી નાગરિકોને મોટી મુક્તિ અપાવશે.

નગરસેવકો ઇ-બસમાં ગયા, કારમાં પરત ફર્યા
રાજકોટના જામનગર રોડ ઉપર સાંઢિયાપુલનું આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ થયુ તે કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહાનગરપાલિકાના તમામ નગર સેવકો ઇલેકટ્રીક બસમાં બેસીને પહોંચ્યા હતા. વડાપ્રધાને ઇંધણ બચાવવા કરેલી અપીલના પગલે તમામ કોર્પોરેટરો પોતાના વાહનો સેન્ટ્રલઝોન કચેરીએ રાખી ત્યાથી ઇલેક્ટ્રિક બસમાં બેસી સાંઢિયાપુલ ખાતે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. જો કે, કાર્યક્રમ પુરો થયા બાદ ગણયાગાંઠયા કોર્પોરેટરો જ ફરી બસમાં બેસી સેન્ટ્રલ ઝોન કચેરીએ પહોંચ્યા હતા.જયારે બાકીનાએ કાર્યક્રમ સ્થળે પોતાની કારો મંગાવી લીધી હતી અને ત્યાંથી નાયબ મુખ્યમંત્રીના કાફલામા જોડાઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *