ગીરનું જંગલ બચાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાને

સિંહોના મોત, શંકાસ્પદ માઇનિંગ, રાજભા ગઢવીને માલધારીની માન્યતા અને ધારીના રિસોર્ટ અંગે વડાપ્રધાન સુધી ફરિયાદ ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલી કથિત ગેરકાયદેસર…

સિંહોના મોત, શંકાસ્પદ માઇનિંગ, રાજભા ગઢવીને માલધારીની માન્યતા અને ધારીના રિસોર્ટ અંગે વડાપ્રધાન સુધી ફરિયાદ

ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વિવાદાસ્પદ મંજૂરીઓનો મુદ્દો હવે દેશના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચ્યો છે. એશિયાટિક સિંહોના એકમાત્ર કુદરતી નિવાસસ્થાન તરીકે ઓળખાતા ગીરના સંરક્ષણ અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરતાં ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડના વર્તમાન અને પૂર્વ સભ્યો તેમજ પર્યાવરણ પ્રેમીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે.

રજુઆતમાં ગીર જંગલના પર્યાવરણ અને વન્યજીવનને અસર પહોંચાડતા કેટલાક નિર્ણયો અંગે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. પત્ર લખનારાઓમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના પૂર્વ સભ્ય અને જાણીતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યા, સ્નેહલ પટેલ, એડવોકેટ રોહિત વ્યાસ, સી.ટી. રાણા, સુરેશ ભટ્ટ, સંજય કેલેયા અને રેવતુભા રાયજાદા સહિતના પર્યાવરણવિદો સામેલ છે.

રજૂઆતમાં જણાવાયું છે કે જાફરાબાદ તાલુકાના બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટની આશરે 75 હેક્ટર જમીન ખાણકામ માટે ફાળવવાની દરખાસ્ત પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ વિસ્તારમાં હજારો વૃક્ષો અને મોટી સંખ્યામાં સિંહો સહિત અન્ય સુરક્ષિત વન્યજીવો વસવાટ કરે છે. પર્યાવરણવિદોના મતે, ખાણકામને મંજૂરી મળવાથી ગીરના મહત્વપૂર્ણ સિંહ કોરિડોરને નુકસાન પહોંચી શકે છે અને વન્યજીવોના કુદરતી રહેઠાણ પર સીધી અસર પડશે. ગીરના લીલાપાણી વિસ્તારમાં જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીને માલધારીતરીકે આપવામાં આવેલી વિશેષ મંજૂરી પણ વિવાદનું કેન્દ્ર બની છે. રજૂઆત મુજબ અગાઉ નકારવામાં આવેલી અરજીને બાદમાં મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય સામે કેટલાક માલધારીઓએ પણ અસંતોષ વ્યક્ત કર્યો છે.ધારી તાલુકાના ખીચા ગામ નજીક આવેલા એક રિસોર્ટ અંગે પણ રજૂઆતમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આરોપ છે કે રહેણાંક હેતુ માટે મંજૂર કરાયેલી જમીનનો ઉપયોગ વ્યાપારી હેતુઓ માટે કરવામાં આવી રહ્યો છે. રિસોર્ટને મળેલી વિવિધ મંજૂરીઓ અને નિયમોના પાલન અંગે સ્વતંત્ર તપાસની જરૂૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે.

પર્યાવરણવિદોએ ગીર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી નોંધાયેલા સિંહોના અસામાન્ય મૃત્યુના બનાવોને પણ ગંભીર મુદ્દો ગણાવ્યો છે. તેમના મતે, વન્યજીવોમાં ફેલાતા રોગચાળા સામે જે પ્રકારની સતર્કતા રાખવામાં આવે છે, તેવી જ ગંભીરતા વહીવટી અને માનવસર્જિત જોખમો સામે પણ દાખવવી જરૂૂરી છે.

વાઇલ્ડલાઇફ બોર્ડના પૂર્વ સભ્ય ભૂષણ પંડ્યાના જણાવ્યા મુજબ દરેક નેશનલ પાર્ક અને અભ્યારણ્ય માટે સત્તાવાર મેનેજમેન્ટ પ્લાન અમલમાં હોય છે. આ પ્લાનનું પાલન કરવું વન વિભાગ માટે ફરજિયાત છે. જોકે, કેટલાક નિર્ણયો ગીર મેનેજમેન્ટ પ્લાન અને વન સંરક્ષણ સંબંધિત નિયમોની ભાવના વિરુદ્ધ હોવાનું પ્રાથમિક રીતે જણાતું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *