‘છોકરો તમારી દીકરીને લાયક નથી’ તેમ કહેતા સાઢુના દીકરાઓનો યુવાન પર પાઇપથી હુમલો

રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં રહેતા અને મવડી વિસ્તારમાં હેર સલૂન ચલાવતા એક આધેડ પર તેમના જ સાઢુંભાઈના દીકરાઓ અને અન્ય શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના…

રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં રહેતા અને મવડી વિસ્તારમાં હેર સલૂન ચલાવતા એક આધેડ પર તેમના જ સાઢુંભાઈના દીકરાઓ અને અન્ય શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પ્રેમસંબંધની આડમાં થયેલી આ અદાવતમાં રાજેશભાઈ ભગવાનજીભાઈ જોટંગીયા (ઉં.વ. 44) નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાને પગલે વાવડી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે હુમલાખોરો વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવની વિગત એવી છે કે, રાજેશભાઈ જોટંગીયા કે જેઓ વાવડીમાં લક્ષ્મણરાય વકીલ ટાઉનશીપમાં રહે છે અને મવડી બાપા સીતારામ ચોક પાસે ’બાબા હેર સલૂન’ નામની દુકાન ધરાવે છે, તેઓ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વાવડી તપન હાઇટ્સ ગાર્ડન પાસે ઉભા હતા. આ દરમિયાન ત્યાં તેમના સાઢુંભાઈના દીકરાઓ જીગ્નેશ અને દિવ્યેશ ઉર્ફે ભૂરો સુરેશ રાઠોડ તેમના અન્ય અજાણ્યા સાથીદારો સાથે ધસી આવ્યા હતા.

જૂની અદાવતનું મનદુ:ખ રાખીને આ શખ્સોએ રાજેશભાઈ સાથે ઝઘડો શરૂૂ કર્યો હતો અને જોતજોતામાં ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ રાજેશભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોએ આડેધડ પાઈપના ફટકા મારતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.

આ હુમલા પાછળનું મુખ્ય કારણ કૌટુંબિક પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, હુમલાખોર દિવ્યેશને રાજેશભાઈના મામાજીની દીકરી સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ બાબતની જાણ મામાજીના પરિવારને થતા, મામાજીની પત્નીએ રાજેશભાઈનો અભિપ્રાય માંગ્યો હતો. ત્યારે રાજેશે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “દિવ્યેશ તમારી દીકરીને લાયક નથી.” આ વાતથી મામાજીના પરિવારે તેમની દીકરીનો મોબાઈલ પણ પરત ખેંચી લીધો હતો, જે દીકરી ભાવનગર ખાતે નર્સિંગનો અભ્યાસ કરી રહી હતી. તેને દિવ્યેશ સાથે સંપર્ક તોડી નાખવા મજબૂર કરવામાં આવી હતી.

રાજેશભાઈ દ્વારા આપવામાં આવેલા નકારાત્મક અભિપ્રાયને કારણે દિવ્યેશ અને તેનો ભાઈ જીગ્નેશ ઉશ્કેરાયેલા હતા. પોતાનો પ્રેમસંબંધ તૂટવા માટે તેઓ રાજેશભાઈને જવાબદાર ગણતા હતા અને તેનો બદલો લેવા માટે આ આયોજનબદ્ધ હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં ઈજાગ્રસ્ત રાજેશભાઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર થઈ ગયેલા જીગ્નેશ, દિવ્યેશ અને તેમના સાથીદારોની શોધખોળ હાથ ધરી છે. પારિવારિક સંબંધોમાં ખટાશ અને પ્રેમ પ્રકરણમાં થયેલા આ હુમલાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *