અઠવાડિયા પૂર્વે પતિના ત્રાસથી પત્ની વતનમાં ચાલી જતા બાળકો માસા-માસીના ઘરે રોકાવા ગયા’તા
શાપર-વેરાવળમાં પતિના ત્રાસથી અઠવાડીયા પહેલા પત્ની વતનમાં ચાલી જતા બાળકો માસા-માસીના ઘરે રોકાવા ગયા હતા. જેનો ખાર રાખી ગઇકાલે સાઢુભાઇએ મારા છોકરાને કેમ રાખેલ છે. તેમ કહી સાળીને ધોકા વડે માર મારી સાઢુભાઇને અગાશી પરથી નીચે ફેંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. યુવકના મોતથી શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ શાપર-વેરાવળમાં આવેલા ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં કારખાનામાં કામ કરતા અને કારખાની ઓરડીમાં રહેતા પીન્ટુસીંગ ઉર્ફે બ્રિજવિહારીસિંગ ધૂપનારાયણસિંગ નામનો 40 વર્ષનો યુવાન ગઇકાલે રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો. ત્યારે શાપરમાં જ રહેતા તેના સાઢુભાઇ અમેન્દ્રસિંગ મહેન્દ્રસિંગ ધસી આવ્યો હતો અને મારા છોકરાને અહીં કેમ રાખેલ છે. તેમ કહી ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. પતિને છોડાવવા વચ્ચે પડેલી પત્ની સંજુબેન (ઉ.વ.32) ધક્કો મારી પછાડી દીધી હતી અને માર માર્યો હતો.
ઉશ્કેરાયેલા અમેન્દ્રસિંગે સાઢુ પીન્ટુસીંગ ઉર્ફે બ્રિજવિહારીસિંગને ધક્કો મારી અગાશી પરથી નીચે પછાડી દીધો હતો. દંપતિને ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ગંભીર રીતે ઘવાયેલા પીન્ટુસીંગ ઉર્ફે બ્રિજવિહારીસિંગનું સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. યુવકના મોતથી શ્રમિક પરિવારમાં અરેરાટી સામે ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પીન્ટુસીંગ ઉર્ફે બ્રિજવિહારીસિંગ બે ભાઇ ત્રણ બહેનામાં નાનો હતો અને તેને સંતાનમાં બે પુત્રો છે. હત્યારા અમેન્દ્રસિંગે ગત બુધવારે પોતાની પત્ની શીતલબેન સાથે ઝઘડો કરી માર માર્યો હતો. પતિના ત્રાસથી કંટાળી શીતલબેન વતનમાં ચાલી ગઇ હતી. જેથી તેના બાળકો શાપરમાં રહેતા માસી સંજુબેનના ઘરે ચાલ્યા ગયા હતા. ગઇકાલે અમેન્દ્રસિંગે દારૂના નશામાં સાળી અને સાઢુભાઇના ઘરે ધસી આવી મારા છોકરાને અહીં કેમ રાખેલ છે. તેમ કહી ઝઘડો કરી સાળીને માર મારી સાઢુભાઇને અગાશી પરથી નીચે ફેંકી દઇ હત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે શાપર પોલીસે આરોપીને સકંજામાં લઇ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
