RSS વડા ડો.મોહન ભાગવતનો સૌરાષ્ટ્ર પ્રવાસ સંપન્ન, વિદાય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂ. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતનો બે દિવસનો સૌરાષ્ટ્રનો પ્રવાસ પૂર્ણ થતાં તેમણે આગળના પ્રવાસ માટે પ્રસ્થાન કર્યું છે. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે…

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પૂ. સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતનો બે દિવસનો સૌરાષ્ટ્રનો પ્રવાસ પૂર્ણ થતાં તેમણે આગળના પ્રવાસ માટે પ્રસ્થાન કર્યું છે. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત તેઓ બે દિવસ રાજકોટ પધાર્યા હતા.

સેવાભારતી ભવન ખાતે બે દિવસ દરમિયાન તેમણે કચ્છ અને સૌરાષ્ટ્રની ચુનંદા યુવા પ્રતિભાઓ, પ્રમુખજનો, લોક પ્રબોધકો તેમજ વરિષ્ઠ લોકો સાથે ગોષ્ઠિ-સંવાદ કર્યો હતો. જેમાં શતાબ્દી વર્ષના અવસરે સંઘની આગામી કાર્યયોજના અને વિચારો જણાવ્યા હતા. ઉપરાંત તેમણે જાણીતા કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી અને રાષ્ટ્રહિતમાં સંઘ તથા ધર્મની ભૂમિકા અંગે સંવાદ કર્યો હતો. ડો. મોહનજીએ ગોષ્ઠિ તથા સંવાદોમાં રાષ્ટ્રહિતમાં કામ કરતા સૌને સાથે હળીમળીને, સંવાદિતાથી કામ કરવા આહવાન કર્યું હતું. આ સાથે દેશહિત માટે સંઘે આપેલા પંચ પરિવર્તનના વિષયો (1) સામાજિક સમરસતા, (2) કુટુંબ પ્રબોધન, (3) પર્યાવરણ, (4) સ્વબોધ, સ્વદેશી, (5) નાગરિક કર્તવ્યમાંથી કોઈપણ વિષય પર નાનાં-નાનાં કામો થકી દેશહિતમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું.

તેમણે ભાર પૂર્વક કહ્યું હતું કે, સંઘ વિશે અન્ય લોકો દ્વારા ફેલાવાતા પ્રચારના દ્રષ્ટિકોણથી સંઘને જોવાને બદલે, સંઘને સમજવો હોય તો સંઘ-સાહિત્ય વાંચવા કે સંઘમાં જોડાવું જોઈએ. આ તકે તેમણે રાષ્ટ્રહિતમાં સંઘની ભૂમિકા પણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, સંઘ શાખાના માધ્યમથી ગુણવાન, શીલવાન વ્યક્તિના નિર્માણ થકી સમાજનિર્માણનું કાર્ય કરે છે. સ્વયંસેવકો વિવિધ ક્ષેત્રોમાં જઈને પોતાના વિવેક અનુસાર વિવિધ સેવાકાર્યો કરે છે અને સમાજહિતમાં પોતાનું યોગદાન આપે છે. તેમણે કહ્યું હતું કે, શતાબ્દી વર્ષે સંઘ કાર્યવિસ્તાર અને દ્રઢિકરણ પર ભાર આપી રહ્યો છે. સંઘની શાખા દરેક ગામ અને નગર સુધી પહોંચે તે માટે આયોજન સાથે સંઘ કામ કરી રહ્યો છે. બે દિવસના પ્રવાસ બાદ તેમણે અખિલ ભારતીય યોજના મુજબ, આગળના પ્રવાસ માટે પ્રસ્થાન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *