ધોરાજીના એકાઉન્ટનનો ચારધામની યાત્રા વખતે ચોરાયેલ મોબાઇલમાંથી રૂા.99 હજાર ઉપડી ગયા

ધોરાજીથી ચારધામની યાત્રાએ નીકળેલા એક 65 વર્ષીય વૃદ્ધ એકાઉન્ટન્ટનો ટ્રેનમાંથી મોબાઇલ ચોરી થયા બાદ તેમના બેંક ખાતાઓમાંથી રૂૂ. 99,380 ઉપાડી લઈ સાયબર ઠગાઈ આચરવામાં આવી…

ધોરાજીથી ચારધામની યાત્રાએ નીકળેલા એક 65 વર્ષીય વૃદ્ધ એકાઉન્ટન્ટનો ટ્રેનમાંથી મોબાઇલ ચોરી થયા બાદ તેમના બેંક ખાતાઓમાંથી રૂૂ. 99,380 ઉપાડી લઈ સાયબર ઠગાઈ આચરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ધોરાજીના અવેડા ચોક વિસ્તારમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા પોપટભાઈ વાલજીભાઈ સિરોયા (ઉં.વ. 65) ગત તારીખ 2 સપ્ટેમ્બરના રોજ તેમની પેઢીના અન્ય કર્મચારીઓ સાથે ધોરાજીથી ચારધામ યાત્રા માટે નીકળ્યા હતા. તારીખ 3 સપ્ટેમ્બરે તેઓ અમદાવાદથી ઋષિકેશ જતી ટ્રેનમાં રવાના થયા હતા. 4 સપ્ટેમ્બરની મોડી રાત્રે ગાઝિયાબાદથી દિલ્હી વચ્ચે ટ્રેન મુસાફરી દરમિયાન ઓશિકા નીચે રાખેલો તેમનો મોબાઇલ ફોન કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. ફોન ચોરી થયાની જાણ થતાં જ તેમણે સાથેના સાથીદારીના મોબાઇલથી પોતાના પુત્રનો સંપર્ક કરી સિમકાર્ડ બંધ કરાવી દીધું હતું.
યાત્રા પૂર્ણ કરીને 15 સપ્ટેમ્બરે પરત આવ્યા બાદ તેમના પુત્રએ નવું સિમકાર્ડ મેળવી આપ્યું હતું.

પોપટભાઈએ 16 સપ્ટેમ્બરના રોજ નવો ફોન ખરીદીને નવું સિમકાર્ડ ચાલુ કરતાં જ તેમના ત્રણેય બેંક ખાતાઓમાંથી નાણાં કપાયાના મેસેજ મળવા લાગ્યા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, આરોપીઓએ તેમના એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ખાતાઓમાંથી રૂૂ. 99,380 ની રકમ મેળવી લીધી હતી. એટલું જ નહીં, 17 સપ્ટેમ્બરના રોજ એચડીએફસી બેંકમાં પાકેલી રૂૂ. 70,000 ની એફ.ડી. ની રકમ વ્યાજ સાથે ખાતામાં જમા થતાં જ, બીજા જ દિવસે 18 સપ્ટેમ્બરે તે રકમ પણ ગેરકાયદેસર રીતે અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી.

સાયબર ફ્રોડનો ભોગ બનેલા વૃદ્ધે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર બી. આર. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *