ગોંડલના સુલ્તાનપુરના નવાગામમાં તસ્કરોએ ધોળા દિવસે ખેડૂત પરિવારના એક બંધ મકાનને નિશાન બનાવી રૂૂ.7,50,000 ની કિંમતના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ મામલે મકાન માલિક દ્વારા સુલ્તાનપુર પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, નવાગામમાં લીલાખા રોડ પાસે રહેતા અને વ્યવસાએ ખેતમજૂર એવા રસિકભાઈ લાલજીભાઈ રાઠોડ (ઉ.વ. 45) ના બંધ મકાનમાં આ ચોરીની ઘટના ઘટી છે. ગત શુક્રવાર, 10 જુલાઈ 2026 ના રોજ સવારના આશરે સાડા આઠ વાગ્યાથી સાંજના સાડા છ વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ઘટના સમયે ભોગ બનનાર રસિકભાઈ અને તેમના ભાઈ મજૂરી કામે ગયા હતા, જ્યારે તેમની પત્ની વાડીએ અને પુત્ર કારખાનામાં મજૂરી અર્થે ગયા હતા, જેથી મકાનને તાળું મારેલું હતું.
સાંજના સમયે જ્યારે પરિવારના સભ્યો કામ પરથી પરત ફર્યા ત્યારે ઘરના દરવાજા ખુલ્લા હોવાનું માલૂમ પડ્યું હતું. તસ્કરોએ ઓસરીની જાળીનો હુક તેમજ ઘરના રૂૂમનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂૂમમાં રાખેલી સેટી પલંગ વેરવિખેર કરી નાખી હતી. સેટીની અંદર રાખેલ સોના-ચાંદીના દાગીના ભરેલો થેલો ગાયબ હતો. જેમાં આશરે સાડા ત્રણ તોલાનો સોનાનો સેટ (બુટ્ટી સહિત) ,આશરે બે તોલાનો સોનાનો હાર ,આશરે 165 ગ્રામનો ચાંદીનો ઝુડો (કંદોરો) આ તમામ ચોરાયેલા ઘરેણાંની કુલ અંદાજિત કિંમત રૂૂ. 7,50,000 જેટલી થાય છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનીય સરપંચ રમેશભાઈ કાકડીયા અને સુલ્તાનપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે રસિકભાઈ રાઠોડની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોળા દિવસે થયેલી આ ઘરફોડ ચોરીથી પંથકમાં ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.
